06 January, 2026 12:57 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ટ્રોફી સાથે ચૅમ્પિયન બનવાની ઉજવણી કરતી સૅમ કરૅન ઍન્ડ કંપની
ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)ની ચોથી સીઝનની ફાઇનલમાં MI એમિરેટ્સ સામે ૪૬ રને વિજય મેળવીને ડેઝર્ટ વાઇપર્સની ટીમ ચૅમ્પિયન બની છે. ગલ્ફ જાયન્ટ્સ, MI એમિરેટ્સ, દુબઈ કૅપિટલ્સ બાદ આ ટુર્નામેન્ટમાં ડેઝર્ટ વાઇપર્સરૂપે સતત ચોથી વખત નવી ચૅમ્પિયન ટીમ બની છે. પહેલી ત્રણેય સીઝનમાં ૬ ટીમોના જંગમાં પહેલી અને ત્રીજી સીઝનમાં ડેઝર્ટ વાઇપર્સની ટીમ રનર-અપ રહી હતી.
ફાઇનલ મૅચમાં ડેઝર્ટ વાઇપર્સે ૪ વિકેટ ગુમાવીને ૧૮૨ રન કર્યા હતા. એના જવાબમાં કાઇરન પોલાર્ડની આગેવાની હેઠળની ટીમ ૧૮.૩ ઓવરમાં ૧૩૬ રનમાં સમેટાઈ ગઈ હતી. ડેઝર્ટ વાઇપર્સનો કૅપ્ટન સૅમ કરૅન ૫૧ બૉલમાં અણનમ ૭૪ રન બનાવીને મૅચનો હીરો રહ્યો હતો. ૩૯૭ રન કરીને ૭ વિકેટ લેવા બદલ સૅમ કરૅન પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પણ બન્યો હતો.
મુંબઈ ઇન્ડિયન્સની ફ્રૅન્ચાઇઝી ૧૬ વર્ષ બાદ કોઈ T20 ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ હારી ગઈ છે. છેલ્લે આવી હાર IPL ૨૦૧૦ની ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે મળી હતી. ત્યાર બાદ ૨૦૧૧થી ૨૦૨૫ દરમ્યાન MI ફ્રૅન્ચાઇઝી ૧૩ ફાઇનલ મૅચ જીતી હતી. એમાં IPLની પાંચ ફાઇનલ મૅચ, વિમેન્સ પ્રીમિયર લીગ (WPL), ચૅમ્પિયન્સ લીગ T20 અને મેજર લીગ T20ની બે-બે ફાઇનલ મૅચ તથા SA20, ILT20ની એક-એક ફાઇનલ મૅચનો સમાવેશ થાય છે.