14 April, 2025 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રીતિ ઝિન્ટા
રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમના IPLના રેકૉર્ડ અનુસાર પંજાબ કિંગ્સને શનિવારે હોમ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સળંગ આઠમી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સે IPLમાં પોતાની પહેલી ઇનિંગ્સનો હાઇએસ્ટ ૨૪૫ રનનો સ્કોર કરવા છતાં હૈદરાબાદની શાનદાર રન-ચેઝને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર છતાં પંજાબની માલિકણ પ્રીતિ ઝિન્ટાએ મેદાન પર અને સોશ્યલ મીડિયા પર હૈદરાબાદી ટીમની પ્રશંસા કરીને પોતાના પ્લેયર્સને પણ મોટિવેટ કર્યા હતા.
પ્રીતિએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે ‘આ રાત અભિષેક શર્માની હતી અને તેણે અદ્ભુત ઇનિંગ્સ રમી. હૈદરાબાદને અભિનંદન. અમારી ટીમે હવે આજની રાત ભૂલીને આગળ વધવું પડશે, કારણ કે આ ટુર્નામેન્ટના શરૂઆતના દિવસો છે અને આવી હાર ભૂલી જવી વધુ સારું રહેશે. શ્રેયસ ઐયર, પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ અને માર્કસ સ્ટૉઇનિસને તેમના શાનદાર પ્રદર્શન માટે ખૂબ-ખૂબ અભિનંદન. તેઓ જે રીતે રમ્યા એના પર મને ખૂબ ગર્વ છે અને મને વિશ્વાસ છે કે આગામી મૅચોમાં એક ટીમ તરીકે વધુ મજબૂત રીતે પાછા ફરીશું. આજની રાત સકારાત્મકતાને સ્વીકારવા અને નકારાત્મકતાને પાછળ છોડી દેવા વિશે છે.’