✕

ન્યુ ઝીલૅન્ડ A સામે દેવદત્ત પડિક્કલના ૧૯૯ રનના કારણે ઇન્ડિયા A ટીમનું શાનદાર કમબૅક

27 October, 2026 01:20 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બીજી ઇનિંગ્સમાં ૪૮૮-૮નો સ્કોર કરીને ભારતે ૨૮૪ રનની લીડ મેળવી.

પડિક્કલના ૧૯૯ રનથી ભારતનું કમબૅક

લિંકનમાં આયોજિત પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં પહેલા બે દિવસ સંઘર્ષ કર્યા પછી ઇન્ડિયા A ટીમે શાનદાર કમબૅક કર્યું છે. પહેલી ઇનિંગ્સમાં ભારતના ૧૧૩ રન સામે ન્યુ ઝીલૅન્ડ A ટીમે ૩૧૭ રન કર્યા હતા. ત્રીજા દિવસના અંતે ભારતે ૧૧૯ ઓવરમાં ૪૮૮-૮નો સ્કોર કરીને ૨૮૪ રનની લીડ મેળવી હતી. 

ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતે ૩૭મી ઓવરમાં ૧૦૬-૨ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. ત્રીજી વિકેટ માટે સાઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલે ૩૪૦ બૉલમાં ૨૧૫ રનની ભાગીદારી કરીને ભારતનો સ્કોર ૨૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. સાઈ સુદર્શને ૧૮૪ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૯૧ રન કર્યા હતા. 

દેવદત્ત પડિક્કલે ૨૪૮ બૉલમાં ૨૪ ફોર, ૩ સિક્સના આધારે ૧૯૯ રન ફટકાર્યા હતા. ૮૮.૫મી ઓવરમાં તેને વિકેટકીપરના હાથે કૅચઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે દેવદત્ત પડિક્કલે બૉલ બૅટને સ્પર્શ્યો જ નથી એમ જણાવીને નિરાશા વ્યક્ત કરી હતી. આ મૅચમાં રિવ્યુ માટેની સુવિધા નહોતી. 

છઠ્ઠા ક્રમે બૅટિંગ કરીને યશ રાઠોડે ૭૨ બૉલમાં ૬૬ રન કર્યા હતા. વૉશિંગ્ટન સુંદર સાતમા ક્રમે આવીને ૭૫ બૉલમાં ૫૧ રન કરીને અણનમ રહ્યો હતો. 

new zealand team india indian cricket team sai sudharsan washington test cricket sports sports news cricket news