14 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ જાજોડિયા
ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ-સિરીઝમાં ડ્યુક્સ બૉલને પ્લેયર્સ તરફથી ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ એને બનાવતી કંપનીના માલિક દિલીપ જાજોડિયાએ એની બનાવટની પ્રોસેસનો ખુલાસો કરવાની સાથે ક્રિકેટર્સને ધીરજ રાખવાની પણ સલાહ આપી છે. તે કહે છે, ‘ડ્યુક્સ બૉલ કુદરતી સામગ્રીથી બનતો હોવાથી અમે ૧૦૦ ટકા ગૅરન્ટી આપી શકતા નથી કે દરેક બૉલ સંપૂર્ણ હશે. દુનિયામાં કોઈ પણ આવો બૉલ બનાવી શકતું નથી. આ બૉલ કોઈ પણ મશીનરી વગર માણસો દ્વારા સાડાત્રણ કલાકના સમયમાં બને છે. જો કોઈ સમસ્યા હશે તો એની સમીક્ષા કરવામાં આવશે અને અમે એની તપાસ કરીશું.’
ભારતીય મૂળના દિલીપ જાજોડિયા વધુમાં કહે છે, ‘બ્રિટનનું અસામાન્ય રીતે ગરમ હવામાન, હાર્ડ પિચ અને બૅટર્સની ભારે બૅટને કારણે બૉલના આકારમાં ફેરફાર થવા લાગ્યો છે. આધુનિક રમતની માગણીને ધ્યાનમાં રાખીને બૉલ સુધારવા માટે તૈયાર છીએ. રમતના સુપરસ્ટાર્સ માટે ટીકા કરવી ખૂબ જ સરળ છે, પણ લોકોએ સાવચેત રહેવું જોઈએ કે જ્યારે તેઓ ટીકા કરે છે ત્યારે એ ફક્ત મારા કે મારા બૉલ વિશે નથી. મારી પાછળ ઘણા લોકોની નોકરીઓ દાવ પર છે. એથી આપણે સાવચેત રહેવું જોઈએ. હંમેશાં ઉદાર બનો.’