23 May, 2026 04:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ વેન્ગસરકર; આકિબ નબી
અફઘાનિસ્તાન સામેની આગામી એકમાત્ર ટેસ્ટ-મૅચ માટે ફાસ્ટ બોલર આકિબ નબીને બાકાત રાખવામાં આવ્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેન્ગસરકરે પસંદગીકારો અને ભારતીય ક્રિકેટ બોર્ડ પર આકરા પ્રહાર કર્યા છે. છેલ્લી રણજી ટ્રોફી સીઝન દરમ્યાન ૧૦ મૅચમાં ૬૦ વિકેટ લેવા છતાં જમ્મુ ઍન્ડ કાશ્મીરનો આ ફાસ્ટ બોલર આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેર કરાયેલી ૧૫ સભ્યોની ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે.
દિલીપ વેન્ગસરકરે કહ્યું હતું કે ‘રણજી ટ્રોફીમાં ૬૦ વિકેટ લેવાને કારણે આકિબ નબી અન્ય કોઈ પણ ખેલાડી કરતાં ટેસ્ટ-ટીમમાં સ્થાન મેળવવા માટે વધુ લાયક હતો. પસંદગીકારોનો તેને અવગણવાનો નિર્ણય તદ્દન વાહિયાત અને મૂંઝવણભર્યો છે. આ કેવા પ્રકારની પસંદગી છે? એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, અન્યાયી છે. જો સ્થાનિક ક્રિકેટમાં પ્રદર્શન પસંદગીનો આધાર નથી તો ક્રિકેટ બોર્ડે ડોમેસ્ટિક ક્રિકેટને સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ.’
ચીફ સિલેક્ટર અજિત આગરકરે આકિબ નબીને સિલેક્ટ ન કરવા પાછળનું કારણ આપતાં કહ્યું હતું કે ‘અમે ટેસ્ટ-મૅચને સંતુલિત રાખીને ત્રણથી વધુ ફાસ્ટ બોલર રાખવા માગતા નહોતા. આકિબ નબી માટે અમારી વચ્ચે ચર્ચા થયા જ કરે છે. તે ટીમમાં સ્થાન મેળવવાની નજીક હતો.’