ફૅન્ટસી સ્પોર્ટ્‌સ કંપની ડ્રીમ-ઇલેવન સાથેનો કરાર સમાપ્ત, ભારતીય ક્રિકેટ-ટીમના નવા ટાઇટલ સ્પૉન્સરની શોધ શરૂ

26 August, 2025 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓનલાઇન ગેમિંગના પ્રમોશન અને નિયમનના નવા નિયમોને કારણે ટીમ સાથેનો કરાર અધવચ્ચેથી ખતમ કરવો પડ્યો, IPLના ફૅન્ટસી સ્પોર્ટ્‌સ પાર્ટનર માય-ઇલેવન સર્કલનો કરાર પણ ખતરામાં

BCCIના સચિવ દેવજિત સૈકિયા.

ભારત સરકાર દ્વારા હાલમાં પસાર થયેલા ઑનલાઇન ગેમિંગના પ્રમોશન અને નિયમન કાયદા હેઠળ મની-ગેમિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. જેને કારણે ફૅન્ટસી સ્પોર્ટ્‌સ કંપની ડ્રીમ-ઇલેવન હવે ભારતીય ક્રિકેટ ટીમોની ટાઇટલ સ્પૉન્સરમાંથી ખસી ગઈ છે. જેને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સામે આગામી સમયમાં નવા ટાઇટલ સ્પૉન્સરની શોધ કરવાનો પડકાર ઊભો થયો છે. કોઈ કરાર ન થયો તો T20 મેન્સ એશિયા કપ અને વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સીના આગળના ભાગમાં કોઈ સ્પૉન્સરનું નામ જોવા મળશે નહીં.

BCCI સચિવ દેવજિત સૈકિયાએ પુષ્ટિ આપી છે કે ‘અમારું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. સરકારી નિયમો હેઠળ BCCI ડ્રીમ-ઇલેવન અથવા આવી કોઈ પણ અન્ય ગેમિંગ-કંપની સાથે એના સ્પૉન્સરશિપ સંબંધો ચાલુ રાખી શકતું નથી. આ અવરોધને કારણે અમે ડ્રીમ-ઇલેવન સાથે કરાર ચાલુ રાખી શકતા નથી અને એથી કેટલાક વિકલ્પો શોધવાની પ્રક્રિયા હજી પણ ચાલુ છે.’

નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઑનલાઇન મની-ગેમિંગ સેવાઓ ઑફર કરશે, ઑનલાઇન મની-ગેમ રમવા માટે સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહિત કરે છે તો તેને એક કરોડ રૂપિયા સુધીનો નાણાકીય દંડ અથવા ત્રણ વર્ષની જેલ થઈ શકે છે.

ડ્રીમ-ઇલેવને જુલાઈ ૨૦૨૩થી ત્રણ વર્ષના સમયગાળા માટે ભારતીય નૅશનલ ટીમો (સિનિયર મેન્સ અને વિમેન્સ, અન્ડર-23 મેન્સ ટીમ, અન્ડર-19 મેન્સ અને વિમેન્સ ટીમ)ના ટાઇટલ સ્પૉન્સર તરીકે ૩૫૮ કરોડ રૂપિયામાં ટેન્ડર જીત્યું. તેઓ કરારમાં લગભગ એક વર્ષ બાકી હોવાથી બહાર નીકળી રહ્યા છે, પરંતુ સરકારી આદેશનું પાલન કરતા હોવાથી બોર્ડ કરાર જલદી સમાપ્ત કરવા માટે દંડ કરે એવી શક્યતા ઓછી છે.

 IPLના ફૅન્ટસી સ્પોર્ટ્‌સ પાર્ટનર માય-ઇલેવન સર્કલ માટે પણ કરાર જાળવી રાખવો મુશ્કેલ બનશે. આ કંપનીએ ફેબ્રુઆરી ૨૦૨૪થી પાંચ વર્ષ માટે વાર્ષિક ૧૨૫ કરોડ રૂપિયાના હિસાબે પાંચ વર્ષ માટે ૬૨૫ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. એના કરારની અપડેટ આગામી સમયમાં જાણવા મળશે.  

શૅરબજાર ભૂલી જાઓ, ભારતીય ક્રિકેટ ટીમની જર્સી જ વાસ્તવિક સર્વાઇવલ સ્કિલ ટેસ્ટ છે : હર્ષ ગોયનકા

બિઝનેસમૅન હર્ષ ગોયનકાએ ડ્રીમ-ઇલેવનની સ્પૉન્સરશિપ હટ્યા બાદ સોશ્યલ મીડિયા ‘X’ પર ટીમ ઇન્ડિયા માટે ફની ટ્વીટ કરી હતી. ભૂતપૂર્વ ટાઇટલ સ્પૉન્સરની જર્સીવાળો એક ફોટો શૅર કરીને તેમણે લખ્યું હતું, ‘પોતાના બ્રૅન્ડના અસ્તિત્વની કસોટી (સર્વાઇવલ સ્કિલ ટેસ્ટ) કરવા માગો છો? શૅરબજારને ભૂલી જાઓ. ભારતીય ક્રિકેટ ટીમની જર્સીના ટાઇટલ-સ્પૉન્સર બનો.’ આ ટ્વીટનો અર્થ એ હતો કે ટીમ ઇન્ડિયાના સ્પૉન્સર બન્યા બાદ કંપનીઓએ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ભૂતકાળમાં સહારા, સ્ટાર ઇન્ડિયા, માઇક્રોમૅક્સ ફાઇનૅન્સ, Paytm, બાયજુસ અને હવે ડ્રીમ-ઇલેવને ટીમ ઇન્ડિયાના સ્પૉન્સર બન્યા બાદ કેટલીક મુશ્કેલીને સામનો કરવો પડ્યો છે.

નવા ટાઇટલ સ્પૉન્સર તરીકે કોના-કોના નામની ચર્ચા છે? 
ભારતીય ટીમોના નવા ટાઇટલ સ્પૉન્સર તરીકે ત્રણ કંપનીઓએ ઊંડો રસ દાખવ્યો હોવાના અહેવાલ મળ્યા છે, જેમાં વિશ્વની અગ્રણી ઑટોમોબાઇલ ઉત્પાદકોમાંની એક ટૉયોટા મોટર કૉર્પોરેશન, એક ફિનટેક સ્ટાર્ટઅપ અને ટેલિકૉમ કંપની રિલાયન્સ જિયોનું નામ સામેલ છે. 

board of control for cricket in india india cricket news sports news sports