23 August, 2026 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુલીપ ટ્રોફી (સૌજન્ય : મિડ-ડે)
આજે દુલીપ ટ્રોફીની ૬૩મી આવૃત્તિ શરૂ થઈ રહી છે. બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાં આ ટુર્નામેન્ટની શરૂઆત સાથે ભારતની ૨૦૨૬-’૨૭ની ડોમેસ્ટિક સીઝનનો પ્રારંભ પણ થશે. આ ટુર્નામેન્ટ ટેસ્ટ-ક્રિકેટમાં ભારતની બેન્ચ-સ્ટ્રેન્થનું મૂલ્યાંકન કરવા માટે મહત્ત્વપૂર્ણ છે.
દુલીપ ટ્રોફીમાં વર્ષોથી ફૉર્મેટમાં ફેરફારો થયા છે જેમાં ઝોનલ ટુર્નામેન્ટથી લઈને નૅશનલ સિલેક્શન કમિટી દ્વારા પસંદ કરાયેલી ટીમોનો સમાવેશ થાય છે. જોકે ૨૦૨૫-’૨૬ સીઝનની જેમ આગામી આવૃત્તિ છ ટીમોના ઝોનલ ફૉર્મેટમાં રમાશે જેમાં ટીમોની પસંદગી તેમની સંબંધિત ઝોનલ સિલેક્શન કમિટીએ કરી છે.
આજે બે ક્વૉર્ટર ફાઇનલ મૅચોથી ટુર્નામેન્ટ થશે. ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશીની આગેવાની હેઠળની ઈસ્ટ ઝોની ટીમ નૉર્થ ઈસ્ટ ઝોન ટીમ સામે ટકરાશે. બીજી ક્વૉર્ટર ફાઇનલ મૅચ ઋતુરાજ ગાયકવાડની વેસ્ટ ઝોન અને આયુષ બડોનીની નૉર્થ ઝોન ટીમ વચ્ચે શરૂ થશે.
ગયા વર્ષના ફાઇનલિસ્ટ સેન્ટ્રલ ઝોન અને સાઉથ ઝોને સેમી ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન સેન્ટ્રલ ઝોનનો કૅપ્ટન રજત પાટીદાર અને વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહ છે, જ્યારે સાઉથ ઝોનનો કૅપ્ટન તિલક વર્મા છે. ૩૦ ઑગસ્ટથી બે સપ્ટેમ્બર દરમ્યાન બે સેમી-ફાઇનલ રમાશે અને ૬થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન ચેન્નઈમાં ફાઇનલ મૅચ રમાશે.