૧૩ વર્ષ પછી ઈસ્ટ ઝોને દુલીપ ટ્રોફી જીતી, પહેલી ઇનિંગ્સની જંગી લીડથી બન્યું ચૅમ્પિયન

11 September, 2026 08:43 AM IST  |  chennai | Gujarati Mid-day Correspondent

ઈસ્ટ ઝોને ૩૮૮-૭ના સ્કોરે બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી, અંતિમ દિવસે ૭૬૧ રનનો ટાર્ગેટ ચેઝ થવો અશક્ય હોવાથી બન્ને ટીમે ડ્રૉ માટે હાથ મિલાવ્યો

દુલીપ ટ્રોફીની આઇકૉનિક ટ્રોફી સાથે ઈસ્ટ ઝોનના ખેલાડીઓ.

ચેન્નઈમાં ચેપૉક સ્ટેડિયમમાં રમાયેલી દુલીપ ટ્રોફી 2026-’27ની ફાઇનલ મૅચ ડ્રૉ રહી હતી. પહેલી ઇનિંગ્સની લીડના આધારે સાઉથ ઝોન સામે ઈસ્ટ ઝોનની ટીમ ચૅમ્પિયન જાહેર થઈ હતી. 
૧૩ વર્ષ પછી દુલીપ ટ્રોફી જીતનાર ઈસ્ટ ઝોન ૨૦૧૧થી ૨૦૧૩ વચ્ચે પોતાનાં અન્ય બે ટાઇટલ જીત્યું હતું. સતત બીજી દુલીપ ટ્રોફી ફાઇનલ હારનાર સાઉથ ઝોન ૨૦૨૩માં પોતાનું છેલ્લું ૧૩મું ટાઇટલ જીત્યું હતું. 
પાંચમા અને અંતિમ દિવસે ઈસ્ટ ઝોને ૨૧૨-૫ના સ્કોર અને ૫૮૪ રનની જંગી લીડ સાથે બીજી ઇનિંગ્સ આગળ વધારી હતી. મોહમ્મદ કુરેશીએ ૧૯૦ બૉલમાં ૧૩ ફોર અને ૪ સિક્સની મદદથી ૧૧૬ રન નોંધાવીને પોતાની બીજી જ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં પહેલી સદી નોંધાવી હતી. અનુકૂલ રૉયે ૧૧૨ બૉલમાં ૬૪ રનનું યોગદાન આપ્યું હતું. 
ઈસ્ટ ઝોને ૯૯.૩ ઓવરમાં ૩૮૮-૭નો સ્કોર કરીને બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૭૦૮ રન કર્યા હોવાથી ઈસ્ટ ઝોને ૭૬૦ રનની લીડ સાથે ૭૬૧ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૩૬ રન કરનાર સાઉથ ઝોને ઓછા સમયમાં અશક્ય રન-ચેઝ માટે ઊતરવાને બદલે બપોરે ૨.૧૦ વાગ્યે ડેક્લેરેશનના સમયે ઈસ્ટ ઝોન સાથે ડ્રૉ માટે હાથ મિલાવી લીધો હતો.

તિલક વર્મા બન્યો પ્લેયર ઑફ ધ સિરીઝ

દુલીપ ટ્રોફીની વર્તમાન સીઝનમાં ઈશાન કિશને સૌથી વધુ ત્રણ મૅચમાં ૪૦૯ રન કર્યા હતા. તેના પછી સાઉથ ઝોનના કૅપ્ટન તિલક વર્માએ બે મૅચમાં ૨૬૬ રન કર્યા હતા. ૪૯.૨૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૨૬ ફોર ફટકારનાર સાઉથ ઝોનનો કૅપ્ટન તિલક વર્મા પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. આખી ટુર્નામેન્ટમાં તે ફાઇનલ મૅચ દરમ્યાન જ એક વખત આઉટ થયો હતો. એ સમયે ૯૯ રને આઉટ થઈને તે સદી ચૂકી ગયો હતો.

રેકૉર્ડ-બ્રેકિંગ બૅટિંગ સાથે ઈશાન કિશન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો

દુલીપ ટ્રોફી ફાઇનલમાં ૩૫૦ રન ફટકારવા બદલ ઈસ્ટ ઝોનનો કૅપ્ટન ઈશાન કિશન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. દુલીપ ટ્રોફીની એક મૅચમાં સૌથી વધુ રન ફટકારવાનો ૩૯ વર્ષ જૂનો રેકૉર્ડ ઈશાન કિશને તોડ્યો હતો. ઈશાન કિશને ફાઇનલ મૅચમાં ૨૭૦ રન અને ૮૦ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ૧૯૮૭માં નૉર્થ ઝોનના રમણ લાંબાએ વેસ્ટ ઝોન સામેની ફાઇનલ મૅચમાં ૩૨૦ રન કર્યા હતા. 

duleep trophy chennai cricket news sports news sports