09 September, 2026 08:58 AM IST | chennai | Gujarati Mid-day Correspondent
દેવદત્ત પડિક્કલે ૧૦૪ બૉલમાં ૪ ફોરની મદદથી ૬૨ રન કર્યા.
ચેન્નઈમાં રમાતી દુલીપ ટ્રોફી ફાઇનલના ત્રીજા દિવસે પણ ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશીની ઈસ્ટ ઝોન ટીમનો દબદબો જોવા મળ્યો. ઈસ્ટ ઝોનના પહેલી ઇનિંગ્સના ૭૦૮ રનના સ્કોર સામે સાઉથ ઝોને ૫૩.૪ ઓવરમાં ૧૭૪ રને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તિલક વર્માની ટીમે ત્રીજા દિવસના અંતે ૮૦ ઓવરમાં ૨૪૨/૬નો સ્કોર કર્યો હતો. સાઉથ ઝોન હજી ૪૬૬ રન પાછળ છે.
બે દિવસ સતત ફીલ્ડિંગ અને બોલિંગ કર્યા પછી સાઉથ ઝોનની ટીમ ત્રીજા દિવસે પહેલી ઇનિંગ્સની શરૂઆત કરવા આવી હતી. ઓપનર્સની ખરાબ શરૂઆત પછી ત્રીજા ક્રમે રમી રહેલા દેવદત્ત પડિક્કલે ૧૦૪ બૉલમાં ૪ ફોરની મદદથી ૬૨ રન કરીને સ્થિતિ સંભાળી હતી.
પાંચમા ક્રમે રમી રહેલા સાઉથ ઝોનના કૅપ્ટન તિલક વર્માએ ૧૩૩ બૉલમાં પાંચ ફોરની મદદથી ૫૬ રન કરીને પડકાર આપવાની આશા જાળવી રાખી હતી. ઈસ્ટ ઝોન માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ૧૧ ઓવરમાં ૧૭ રન અને મુકેશ કુમારે ૧૨ ઓવરમાં ૩૬ રન આપીને ૨-૨ વિકેટ લીધી હતી. સ્પિનર્સ મોહમ્મદ કુરેશી અને શિખર મોહનને ૧-૧ સફળતા મળી હતી.