દુબઈમાં દિલ્હી જ દમદાર

23 September, 2021 05:01 PM IST  |  Dubai | Agency

૮ વિકેટે આસાન જીત, સતત ચોથી હાર બાદ કોરોનાગ્રસ્ત હૈદરાબાદ માટે પ્લે-ઑફના દરવાજા ઑલમોસ્ટ બંધ

દુબઈમાં દિલ્હી જ દમદાર

દુબઈમાં ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સે તેમનું ફોર્મ જાળવી રાખતાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૮ વિકેટે પરાજિત કરી દીધી હતી. દિવસની શરૂઆતમાં ટી. નટરાજનને કોરોનાગ્રસ્ત તથા અને તેના સંપર્કમાં આવેલા ઑલરાઉન્ડર વિજય શંકરને ગુમાવી દેનાર હૈદરાબાદ દમદાર દિલ્હીને માત્ર ૧૩૫ રનનો જ ટાર્ગેટ આપી શકી હતી, જે દિલ્હીએ ૧૭.૫ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. 
આ સાથે દિલ્હીએ સતત ત્રીજી મૅચમાં હૈદરાબાદને હરાવીની જીતની હૅટ-ટ્રિક કરી હતી. આ જીત સાથે દિલ્હી ચેન્નઈને પછાડીને ફરી પૉઇન્ટ ટેબલમાં નંબર વન બની ગયું હતું, જ્યારે હૈદરાબાદે સતત ચોથી હાર તેમ જ આઠ મૅચમાં માત્ર બે પૉઇન્ટ સાથે તેનું છેલ્લું સ્થાન જાળવી રાખ્યું હતું. આ હાર સાથે હવે હૈદરાબાદ માટે પ્લે-ઑફમાં પહોંચવું ઑલમોસ્ટ અશક્ય બની ગયું છે. 
અય્યર-ધવન ઑન ધ ટૉપ
ઑરેન્જ કૅપ પહેરનાર ધવને યુએઈમાં પણ તેનું ફોર્મ જાળવી રાખ્યું હતું અને ૪૨ રનની ઇનિંગ્સ રમીને ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. બીજી તરફ ઇન્જરી બાદ ટીમમાં કમબૅક કરી રહેલા ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શ્રેયસ અય્યરે ૪૧ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ ૪૭ રન સૉલિડ કમબૅક કર્યું હતું. અય્યરે કૅપ્ટન રિષભ પંત (૨૧ બૉલમાં અણનમ ૩૫) રન સાથે દિલ્હીને ૧૭.૫ ઓવરમાં જીત અપાવી દીધી હતી. 
રબાડા-નૉર્કિયા ફરી જોશમાં
યુએઈમાં રમાયેલી ગઈ સીઝનમાં દિલ્હીને રનર-અપ બનાવવામાં દિલ્હીની પેસ જોડી કૅગિસો રબાડા અને ઍન્રિક નૉર્કિયાનો મોટો ફાળો હતો. જોકે તેઓ આ સીઝનમાં ભારતમાં રમાયેલા પ્રથમ સ્પેલમાં ખાસ કંઈ કમાલ નહોતા કરી શક્યા, પણ યુએઈની પિચો પર ફરી તેઓ બૅટ્સમેનો માટે તૂટી પડ્યા હતા. રબાડાએ ૩૭ રનમાં ત્રણ અને નૉર્કિયાએ ફક્ત ૧૨ રન આપીને બે વિકેટ સાથે અડધા હૈદરાબાદને પૅવિલિયન ભેગું કરી દીધું હતું. હૈદરાબાદનો ભૂતપૂર્વ કૅપ્ટન ડેવિડ વૉર્નર ત્રીજા બૉલે આઉટ થતાં પહેલાં ખાતું પણ નહોતો ખોલાવી શક્યો. હૈદરાબાદ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૪ રન જ બનાવી શક્યું હતું. 

sports news sports cricket news ipl 2021