ઍશિઝના હારેલા-જીતેલા ખેલાડીઓ દારૂ પીને છાકટા થયા

19 January, 2022 02:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના જો રૂટ, ઍન્ડરસન અને ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ, લાયન, ઍલેક્સ કૅરીને પોલીસે સવારે ૬ વાગ્યે હોટેલના બારમાંથી ભગાડતાં કહેવું પડ્યું, ‘હવે સૂઈ જાઓ, મહેરબાની કરો’

સોમવારે સવારે ૬ વાગ્યે નૅથન લાયન, જો રૂટ, ઍલેક્સ કૅરી, જિમી ઍન્ડરસન અને ટ્રેવિસ હેડને પોલીસે હોટેલના બારમાંથી ઉઠાડીને પોતાની રૂમમાં જવા કહ્યું હતું.

પાંચ મૅચની તાજેતરની ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડ ૦-૪થી હારી ગયું એના ગમમાં કૅપ્ટન જો રૂટ તથા ટીમનો મુખ્ય બોલર જેમ્સ ઍન્ડરસન અને ઑસ્ટ્રેલિયાએ શાનદાર જીત મેળવી એની ખુશીમાં મૅન ઑફ ધ સિરીઝ ટ્રેવિસ હેડ, નૅથન લાયન અને વિકેટકીપર ઍલેક્સ કૅરીએ હોબાર્ટ શહેરની હોટેલના પબ્લિક ઍરિયામાં આવેલા બારમાં બેસીને બહાર કલાકો સુધી દારૂની મહેફિલ માણી હતી. તેમણે વહેલી સવાર સુધી દારૂના નશામાં એટલો બધો ઘોંઘાટ કર્યો હતો કે છેવટે પોલીસમાં તેમની વિરુદ્ધમાં ફરિયાદ ગઈ અને પોલીસે આવીને આ ખેલાડીઓને ‘તમે બધાએ ખૂબ ઘોંઘાટ કર્યો. તમને અહીંથી જતા રહેવા હોટેલમાંથી જ કહેવાયું હતું, છતાં તમે ન ગયા. 
હવે અહીંથી ઊભા થાઓ અને સૂઈ જાઓ, મહેરબાની કરો’ એવું કહીને તાબડતોબ પોતપોતાની રૂમમાં મોકલી દેવા પડ્યા હતા.
આ ખેલાડીઓએ ક્રાઉન પ્લાઝા હોટેલમાં પબ્લિક એરિયામાં દારૂની પાર્ટી કરી હોવાથી તેમની વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ થઈ હતી. તેઓ જ્યાં બેઠા હતા ત્યાંની આસપાસની રૂમોમાં રહેતા કેટલાક લોકોએ હોટેલ-મૅનેજમેન્ટને અને પછી પોલીસને ફરિયાદ કરી હતી.
પોલીસે છોડી દીધા, બોર્ડની તપાસ
પોલીસે તો તમામ ખેલાડીઓને ઠપકો આપીને છોડી દીધા હતા, પણ ખાસ કરીને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે કૅપ્ટન જો રૂટ અને ઍન્ડરસનને લગતી આ ઘટનામાં તપાસ શરૂ કરી છે. ઍન્ડ્રયુ સ્ટ્રાઉસ ક્રિકેટ બોર્ડની પર્ફોર્મન્સ કમિટીના ચૅરમૅન છે.
કોચ ગ્રેહામ થોર્પે વિડિયો ઉતાર્યો
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમના સહાયક કોચ ગ્રેહામ થોર્પે ખેલાડીઓની આ આખી ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો અને તેઓ એવું કહેતા સંભળાયા હતા કે ‘હું આ વિડિયો પછીથી વકીલને બતાડવા ઉતારી રહ્યો છું. આપણે બધા હવે સવારે મળીશું, આવજો.’

2
હોટેલમાં દારૂની ધમાલભરી પાર્ટી કરનારા પ્લેયરોમાંથી આટલા ખેલાડીઓ (નૅથન લાયન, ઍલેક્સ કૅરી) ટેસ્ટના વાઇટ ડ્રેસમાં જ હતા.

sports sports news cricket news england australia