02 April, 2026 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રહાણેની આજે ૨૦૦મી લૅન્ડમાર્ક મૅચ, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે આજે ટચ બતાવવો પડશે અને ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં પ્રૅક્ટિસ-સેશનમાં મગ્ન હૈદરાબાદનો કૅપ્ટન ઈશાન કિશન.
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં આજે IPL 2026ની છઠ્ઠી ટક્કર જામશે. યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ અને મહેમાન સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ ટક્કરમાં બન્ને ટીમો આ સીઝનની પ્રથમ મૅચમાં મળેલા પરાજયને ભૂલીને કમબૅક કરવા તત્પર હશે. હૈદરાબાદને સીઝનની ઓપનિંગ મૅચમાં ગઈ સીઝનના ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે અને કલકત્તાને વાનખેડેમાં પાંચ વખતના ચૅમ્પિયન મુંબઈ સામે એકસરખી ૬ વિકેટથી હાર જોવી પડી હતી.
નબળો બોલિંગ-અટૅક
બન્ને ટીમે એકસરખા પરાજયથી સીઝનની શરૂઆત કરી છે. આ પરાજય માટે તેમના બોલરો જ મુખ્યત્વે જવાબદાર હતા. બૅટરોએ હૈદરાબાદને બૅન્ગલોર સામે ૨૦૧ અને કલકત્તાને મુંબઈ સામે ૨૨૦ જેવો ચૅલેન્જિંગ સ્કોર બનાવી આપ્યો હતો પણ બોલરોએ પાણી ફેરવી દીધું હતું. કલકત્તાએ ઑક્શન બાદ એક સારો પેસ-અટૅક તૈયાર કર્યો હતો પણ હર્ષિત રાણા અને આકાશદીપ ઇન્જરીને લીધે સીઝનમાંથી આઉટ થઈ ગયા છે. મથીશા પથિરાના શ્રીલંકન બોર્ડ તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યો છે તેમ જ સૌથી મોંઘો કૅમરન ગ્રીન હજી થોડો સમય બોલિંગ કરી શકે એમ નથી. ઉપરાંત વિવાદને લીધે બંગલાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને ટીમે છૂટો કરવો પડ્યો હતો. તેમનાં મુખ્ય બે અસ્ત્રો વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ પહેલી મૅચમાં કોઈ અસર નહોતા પાડી શક્યા અને એક પણ વિકેટ લીધા વગર તેમણે ૭ ઓવરમાં ૭૮ રન આપી દીધા હતા. વૈભવ અરોરાએ ૪ ઓવરમાં ૧૩ની ઍવરેજથી બાવન રનની લહાણી કરી હતી જ્યારે હૈદરાબાદનો બોલિંગ-અટૅક પણ કૅપ્ટન પૅટ કમિન્સની ગેરહાજરીમાં દમ વગરનો લાગી રહ્યો છે. પ્રથમ મૅચમાં જયદેવ ઉનડકટ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષલ પટેલ કે ઈશાન મલિંગા હરીફ બૅટરોને જરાય પરેશાન નહોતા કરી શક્યા. હૈદરાબાદને જીત માટે મોટા ભાગે તેમના ડેન્જરસ ટૉપ થ્રી અભિષેક શર્મા, ટ્રૅવિસ હેડ અને ઈશાન કિશન ઉપરાંત હેન્રિક ક્લાસેન પર જ મદાર રાખવો પડશે.
૭ દિવસમાં ૩ હોમ-મૅચ
કલકત્તા આજની મૅચ સહિત ઘરઆંગણે ૭ દિવસમાં ૩ મૅચ રમવાનું છે. ઈડન ગાર્ડન્સમાં ૯૫માંથી ૫૪ મૅચ જીતનાર અજિંક્યસેના એ જ રેકૉર્ડ જાળવી વધુમાં વધુ પૉઇન્ટ મેળવવા માગશે. ત્યાર બાદ ૧૯મીએ વધુ એક મૅચ ઈડન ગાર્ડન્સમાં રમીને રાજ્યમાં ઇલેક્શન હોવાથી લગભગ એકાદ મહિનાના ગૅપ બાદ ૧૬ મેએ ફરી ઘરઆંગણે રમશે.
ટર્નિંગ-પિચ માગી છે
ટીમમાં બે મિસ્ટરી સ્પિનરો હોવાથી કલકત્તા મૅનેજમેન્ટે રિપોર્ટ પ્રમાણે ટર્નિંગ-પિચ તૈયાર કરવાની માગણી કરી છે. જોકે ઈડન ગાર્ડન્સની પિચ પેસ બોલરો અને સ્પિનરોને બન્નેને અનુકૂળ આવે એવી સ્પોર્ટિંગ પિચ જ રહેવાની આશા છે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ કેવો છે?
બન્ને ટીમ વચ્ચે આ ટુર્નામેન્ટમાં ૩૦ મૅચ રમાઈ છે જેમાં હૈદરાબાદની ૧૦ જીત સામે કલકત્તા ૨૦ જીત સાથે દબદબો ધરાવે છે. છેલ્લી પાંચ મૅચની કે છેલ્લી બે સીઝનની વાત કરીએ તો પણ કલકત્તા ૪-૧થી હૈદરાબાદ પર હાવી છે. હૈદરાબાદ સામે સતત પાંચ મૅચમાં પરાજય જોયા બાદ કલકત્તાએ ગઈ સીઝનની એમની વચ્ચેની છેલ્લી ટક્કરમાં હૈદરાબાદે હેન્રિક ક્લાસેનની શાનદાર સેન્ચુરીના જોરે ૧૧૦ રનથી મહાજીત મેળવીને વળતો પ્રહાર કર્યા હતો. ઈડર્ન ગાર્ડન્સમાં પણ બન્ને ટીમ વચ્ચેના જંગમાં કલકત્તા ૧૧-૩થી હૈદરાબાદ સામે સરસાઈ ધરાવે છે.
રહાણેની આજે ૨૦૦મી લૅન્ડમાર્ક મૅચ
કલકત્તાના કૅપ્ટન અજિંક્ય રહાણે આજે ઈડન ગાર્ડન્સમાં હૈદરાબાદ સામે મેદાનમાં ઊતરતાંની સાથે જ IPLમાં એક માઇલસ્ટોન હાંસલ કરી લેશે. રહાણેની આ ૨૦૦મી IPL મૅચ છે અને આવી કમાલ કરનાર તે દસમો ખેલાડી બની જશે. અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોની (૨૭૮), રોહિત શર્મા (૨૭૩), વિરાટ કોહલી (૨૬૮), દિનેશ કાર્તિક (૨૫૭), રવીન્દ્ર જાડેજા (૨૫૫), શિખર ધવન (૨૨૨), રવિચન્દ્રન અશ્વિન (૨૨૧), સુરેશ રૈના (૨૦૫), રૉબિન ઉથપ્પા (૨૦૫) અને અંબાતી રાયુડુ (૨૦૪) આ માઇલસ્ટોન હાંસલ કરી ચૂક્યા છે.
માઇલસ્ટોન મીટર
રહાણેની ૨૦૦મી IPL મૅચ ઉપરાંત અન્ય ખેલાડીઓ પણ અમુક માઇલસ્ટૉનની નજીક છે.
વરુણ ચક્રવતીને T20 ક્રિકેટમાં ૨૦૦ વિકેટ પૂરી કરવા વધુ ૩ની જરૂર.
સુનીલ નારાયણને IPLમાં ૨૦૦ વિકેટ પૂરી કરવા વધુ ૮ની જરૂર.
T20 ક્રિકેટમાં ૫૦૦ ફોરના માઇલસ્ટોન માટે અભિષક શર્માને વધુ ૭ સાતની જરૂર.