એશિયન ગેમ્સને કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં નહીં રમી શકશે ૮ ખેલાડીઓ

26 July, 2026 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમનું આખું ક્રિકેટ-કૅલેન્ડર ખચાખચ ભરેલું છે એના કારણે એશિયન ગેમ્સ અને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝનું શેડ્યુલ ક્લૅશ થયું છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ટીમનું આખું ક્રિકેટ-કૅલેન્ડર ખચાખચ ભરેલું છે એના કારણે એશિયન ગેમ્સ અને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝનું શેડ્યુલ ક્લૅશ થયું છે. ૨૪ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર સુધી એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટ ઇવેન્ટ રમાશે. એ સમયે વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૭ સપ્ટેમ્બરથી ૩ ઑક્ટોબર વચ્ચે ઘરઆંગણે ત્રણ વન-ડે મૅચની સિરીઝનું પણ આયોજન છે. 
એશિયન ગેમ્સ માટેની T20 સ્ક્વૉડ પહેલાંથી જ જાહેર થઈ ચૂકી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આનો અર્થ એ થયો કે ઘણા નિયમિત ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લેવાને કારણે વન-ડે શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં.
ભારતીય વન-ડે ટીમના ૮ નિયમિત ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લેવાને કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ ચૂકી જશે. આ ખેલાડીઓમાં વન-ડે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર, ઈશાન કિશન, અક્ષર પટેલ, નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ખેલાડીઓનું યોગ્ય સંયોજન પસંદ કરવું સિલેક્ટર્સ માટે એક પડકાર હશે, કારણ કે તેમણે એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ટીમથી અલગ ટીમ પસંદ કરવી પડશે. આનાથી ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેનારા ખેલાડીઓ અને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ અન્ય ખેલાડીઓ માટે પણ તકો ઊભી થશે. એ સિવાય મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર જેવા જૂના જોગીઓને પણ તક આપવામાં આવી શકે છે. 

એશિયન ગેમ્સ પહેલાં ભારતીય ટીમ સામે રમવા ઇચ્છે છે અફઘાનિસ્તાન-બંગલાદેશ 
જપાનમાં આગામી ૨૪ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર સુધી એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટ ઇવેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટ પહેલાં ભારતના પડોશી દેશ બંગલાદેશ અને અફઘાનિસ્તાન ભારત સામે વાઇટ-બૉલ સિરીઝ રમવા ઇચ્છે છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ ૧૩, ૧૫ અને ૧૭ સપ્ટેમ્બરે દિલ્હીમાં T20 સિરીઝ રમવા ઇચ્છે છે. જોકે બંગલાદેશ સામેની ૬ વાઇટ-બૉલ મૅચની સિરીઝનું શેડ્યુલ અનિશ્ચિત હોવાથી અફઘાનિસ્તાન સામેની સિરીઝ પર મોહર લાગી શકી નથી. 
બંગલાદેશ ક્રિકેટ બોર્ડ પોતાના ઘરઆંગણે એકથી ૧૩ સપ્ટેમ્બર વચ્ચે T20 અને વન-ડે સિરીઝની રમતોનું આયોજન કરવાની આશા રાખે છે. પરિણામે અફઘાનિસ્તાન સિરીઝની તારીખો થોડા દિવસો કે તેથી વધુ સમય માટે મુલતવી રાખવાની જરૂર પડી શકે છે.

sports news sports asian games cricket news one day international odi indian cricket team