✕

યુથ ટેસ્ટ-મૅચમાં ડાબોડી સ્પિનર તન્મય બલોડાએ રેકૉર્ડ-બ્રેકિંગ ૧૪ વિકેટ લીધી

08 October, 2026 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી યુથ ટેસ્ટ-મૅચ જીતીને ભારતે કાંગારૂઓ સામે ક્લીન સ્વીપ કરી

તન્મય બલોડા

ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમ ભારતમાં ત્રણ વન-ડે મૅચ અને બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં એક પણ મૅચ જીત્યા વગર ઘરે પરત ફરી રહી છે. ગઈ કાલે ત્રીજા દિવસે બીજી ટેસ્ટ-મૅચમાં ૧૦ વિકેટથી જીતીને ભારતે કાંગારૂઓ સામે ક્લીન સ્વીપ કરી હતી. ભારતે પહેલી ટેસ્ટ-મૅચ એક ઇનિંગ્સ અને ૪૮ રને જીતી હતી.
બીજી ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયાએ અનુક્રમે ૧૭૪ રન અને ૧૫૧ રનનો સ્કોર કરીને માત્ર ૧૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૧૫ રન કરનાર ભારતે બીજી ઇનિંગ્સમાં પહેલા પાંચ બૉલમાં ૧૧ રન કરીને જીત નોંધાવી હતી. 
હરિયાણાના ૧૮ વર્ષના ડાબોડી સ્પિનર તન્મય બલોડાએ પહેલી ઇનિંગ્સમાં ૩૨ રન આપીને ૬ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૪૧ રન આપીને ૮ વિકેટ લીધી હતી. મૅચમાં કુલ ૭૩ રન આપીને ૧૪ વિકેટ લેનાર નવોદિત તન્મય બલોડા યુથ ટેસ્ટ-મૅચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોલર બન્યો છે. 
તન્મય બલોડાએ બે દાયકા જૂનો ટિમ સાઉધીનો રેકૉર્ડ તોડ્યો હતો. ૨૦૦૬-’૦૭ની સીઝનમાં ટિમ સાઉધીએ ન્યુ ઝીલૅન્ડ માટે ભારત સામેની યુથ ટેસ્ટ-મૅચમાં ૯૨ રન આપીને ૧૨ વિકેટ લીધી હતી.

australia indian cricket team cricket news sports news sports