26 November, 2025 11:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તૂ લડકી હૈ, તૂ અપની ઝિંદગી મેં કુછ ભી નહીં કર સકતી. પૂરા ગાંવ ઐસી બાત કરતા થા. હમને પ્રૂવ કિયા કિ હમ ભી ખેલ સકતે હૈં.: ભારતીય બ્લાઇન્ડ વિમેન્સ કૅપ્ટન દીપિકા ટી. સી.
પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2025 જીતનાર ભારતીય ટીમની સફર સંઘર્ષોથી ભરેલી રહી છે. બૅન્ગલોર પહોંચ્યા બાદ એક પ્રેસ-કૉન્ફરન્સમાં ટીમના દરેક પ્લેયરના સંઘર્ષોને યાદ કરીને ભારતીય કૅપ્ટન દીપિકા ટી. સી. રડી પડી હતી. ખરાબ પરિસ્થિતિમાંથી આવી હોવા છતાં ભારતીય પ્લેયર્સે ક્રિકેટના મેદાન પર આખા વર્લ્ડ કપ દરમ્યાન તમામ મૅચ શાનદાર અંદાજમાં જીતી હતી.
ભાવુક થઈને ભારતીય કૅપ્ટને કહ્યું હતું કે ‘માત્ર મારા ઘરમાં જ નહીં, દરેક પ્લેયરના ઘરમાં એક સમયનું ભોજન મળવું પણ મુશ્કેલ હતું. આજે પણ હાલત વધારે બદલાઈ નથી. બધાએ ઘણો સંઘર્ષ કર્યો છે. સમર્થનમ ટ્રસ્ટ અને ક્રિકેટ અસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (CABI) અમને નાણાકીય મદદ કરી રહ્યાં છે.’
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વિશ્વ ચૅમ્પિયન ભારતીય વિમેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને મહિલા T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ સન્માનિત કરી છે. સોમવારે બૅન્ગલોર ઍરપોર્ટ પર શાનદાર સ્વાગત બાદ ગઈ કાલે ભારતીય ટીમે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાને તમામ પ્લેયર્સને શાલ અને હાર પહેરાવીને શુભેચ્છા પાઠવી હતી.
કર્ણાટક સરકારે વર્લ્ડ કપ જીતનાર કર્ણાટકની ૩ ખેલાડીને ૧૦ લાખ રૂપિયા કૅશ પ્રાઇઝ સહિત સરકારી નોકરીનું વચન આપ્યું છે, જ્યારે અન્ય રાજ્યોની ક્રિકેટરને પણ બે-બે લાખ રૂપિયા આપીને પ્રોત્સાહિત કરવામાં આવી છે. પૅરા-ઍથ્લીટ્સને ટેકો આપવા અને રમતગમતમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવા તરફ આ એક મોટું પગલું છે.