11 July, 2026 09:02 AM IST | London | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂક અને ફિલ સૉલ્ટ વચ્ચે ચોથી T20 મૅચમાં બીજી વિકેટ માટે મૅચવિનિંગ ૧૪૬ રનની શાનદાર ભાગીદારી થઈ હતી.
ઇંગ્લૅન્ડના ઓપનર ફિલ સૉલ્ટે ૪૨ બૉલમાં ૯ ફોર અને એક સિક્સના આધારે ૫૯ રન ઝૂડીને સારી શરૂઆત અપાવી હતી. જૉસ બટલર ૮ બૉલમાં એક સિક્સની મદદથી ૮ રન કરીને અર્શદીપ સિંહ સામે ઈશાન કિશનના હાથે કૅચઆઉટ થયો હતો. હૅરી બ્રૂક અને ફિલ સૉલ્ટ વચ્ચે બીજી વિકેટ માટે ૧૪૬ રનની ભાગીદારી થઈ હતી. ત્રીજા ક્રમે બૅટિંગ કરીને હૅરી બ્રૂકે ૩૫ બૉલમાં ૮ ફોર અને ૪ સિક્સની મદદથી અણનમ ૭૯ કર્યા હતા.
મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમીને હૅરી બ્રૂક પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
આશા છે કે અમે આ સિરીઝ ૪-૦થી જીતીશું. અમે વિશ્વની નંબર વન T20 ટીમ બનવા ઇચ્છીએ છે. એ ચોક્કસપણે અમારું લક્ષ્ય છે - ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક અમારી ટીમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે એટલે ઘણી બધી ભૂલો થવાની છે. યુવા પ્લેયર્સને અહીં કરેલી ભૂલોથી વિદેશી પરિસ્થિતિમાં પોતાને કેવી રીતે અનુકૂળ કરવું એની જાગરૂકતા મળશે - ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર
૭ વર્ષ બાદ સતત બે T20 સિરીઝ હાર્યું ભારત
ભારતે છેલ્લી વખત ફેબ્રુઆરી ૨૦૧૯માં સતત બે દ્વિપક્ષીય T20 સિરીઝ ગુમાવી હતી. ૭ વર્ષ પહેલાં ભારત ન્યુ ઝીલૅન્ડ સામે ૧-૨ અને ઑસ્ટ્રેલિયા સામે ૦-૨થી હાર્યું હતું. આ પહેલી વાર છે જ્યારે ઇંગ્લૅન્ડે બે કે એથી વધુ T20 મૅચોની દ્વિપક્ષીય T20 સિરીઝમાં ભારતને હરાવ્યું છે. ભારતે આ હરીફ સામે અગાઉની ૬ સિરીઝમાંથી પાંચ જીતી હતી, જ્યારે એક ડ્રૉ રહી હતી. આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં ભારતે છેલ્લી ૧૨માંથી ૧૧ T20 દ્વિપક્ષીય સિરીઝ જીતી હતી. ડિસેમ્બર ૨૦૨૩માં સાઉથ આફ્રિકામાં સિરીઝ ૧-૧ થી ડ્રૉ રહી હતી. ૨૦૧૮ બાદ પહેલી વખત ભારત ઇંગ્લૅન્ડ સામે કોઈપણ ફૉર્મેટની સિરીઝ હાર્યું છે. ૨૦૧૯ થી આ સિરીઝ પહેલાં સુધી ભારત ઇંગ્લૅન્ડ સામે ૧૦ ઇન્ટરનૅશનલ સિરીઝમાં હાર્યું નહોતું. બે સિરીઝ ડ્રૉ રહી હતી અને બાકીની ૮ સિરીઝ ભારત જીત્યું હતું.
પહેલી ત્રણ મૅચમાં વૈભવ સૂર્યવંશીનું સાધારણ પ્રદર્શન
૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીની ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં શરૂઆત સાધારણ રહી છે. પહેલી મૅચમાં તે ૧૦ બૉલમાં બે સિક્સની મદદથી ૧૪ રન કરીને વિલ જૅક્સની ઓવરમાં જૉસ બટલર દ્વારા સ્ટમ્પ્ડ આઉટ થયો હતો. બીજી મૅચમાં પાંચ બૉલમાં બે સિક્સની મદદથી ૧૩ રન કરીને તે જોફ્રા આર્ચરની ઓવરમાં જૉસ બટલરના હાથે કૅચઆઉટ થયો હતો. ત્રીજી મૅચમાં ૧૦ બૉલમાં એક ફોર અને એક સિક્સના આધારે ૧૫ રન કરીને તે ફરી જોફ્રા આર્ચર સામે સેમ કરૅનના હાથે કૅચઆઉટ થયો હતો.
મમ્મી-પપ્પા બાદ વૈભવ સૂર્યવંશીના બન્ને ભાઈઓ પણ પહોંચ્યા ઇંગ્લૅન્ડ
રાજસ્થાન રૉયલ્સના મૅનેજર રોમી ભિન્ડર સાથેના વૈભવ સૂર્યવંશીની ફૅમિલીના ફોટો-વિડિયો વાઇરલ થયા છે. આ વિડિયોમાં રાજસ્થાન રૉયલ્સનો મૅનેજર વૈભવ સૂર્યવંશીનાં મમ્મી-પપ્પા અને બન્ને ભાઈઓને લંડનમાં ફેમસ સ્થળોએ ફેરવતો જોવા મળ્યો હતો. વૈભવ ૧૫ વર્ષનો હોવાથી ભારતીય ક્રિકેટ બોર્ડે તેનાં મમ્મી-પપ્પાને ઇંગ્લૅન્ડ લાવવાનો ખર્ચ ઉપાડ્યો હતો, પરંતુ વૈભવનો મોટો ભાઈ ઉજ્જવલ અને નાનો ભાઈ આર્શીવાદ કોના ખર્ચે લંડન આવ્યા એ હજી સ્પષ્ટ નથી થયું.
આજે અંતિમ T20 મૅચમાં લાજ બચાવવાના ટાર્ગેટ સાથે મેદાન પર ઊતરશે શ્રેયસ ઐયર ઍન્ડ કંપની
આજે ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યાથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે અંતિમ અને પાંચમી T20 મૅચ રમાશે. પહેલી મૅચ વરસાદને કારણે રદ્દ થઈ એ પછી સતત ત્રણ મૅચ જીતીને યજમાન ઇંગ્લૅન્ડે સિરીઝ પોતાને નામે કરી હતી.
ભારતે એક પણ જીત ન મેળવી હોય એવી T20 સિરીઝ
૨૦૦૯માં ભારત મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ન્યુ ઝીલૅન્ડ સામે બે મૅચની સિરીઝમાં ૦-૨થી હાર્યું હતું.
૨૦૧૫માં ધોનીની જ આગેવાનીમાં સાઉથ આફ્રિકા સામે બે મૅચની સિરીઝમાં ૦-૨થી હાર મળી હતી
૨૦૧૯માં વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં ઑસ્ટ્રેલિયા સામે ૦-૨થી કારમી હાર મળી હતી.
૨૦૨૬માં શ્રેયસ ઐયરની આગેવાનીમાં આયરલૅન્ડ સામે ભારતે ૦-૨થી સિરીઝ ગુમાવી.