ફુલ મેમ્બર નેશન સામે T20માં ૩૦૦+ રન ફટકારનાર પહેલી ટીમ બની ઇંગ્લૅન્ડ

14 September, 2025 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફૉર્મેટમાં અંગ્રેજ ટીમને સૌથી મોટી જીત અને આફ્રિકન ટીમને સૌથી મોટી હાર મળી : ફિલ સૉલ્ટે ઇંગ્લૅન્ડ માટે ૩૯ બૉલમાં ફાસ્ટેસ્ટ સદી કરી હાઇએસ્ટ સ્કોર કરવાનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો

ઇંગ્લૅન્ડના ઓપનર્સ ફિલ સૉલ્ટ અને જોશ બટલરે પાવરપ્લેમાં ૧૦૦ રન ફટકારી ૧૨૬ રનની પાર્ટનરશિપ કરી હતી.

મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડે પોતાની ૧૪૬ રનની સૌથી મોટી T20 જીત નોંધાવીને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ ૧-૧થી લેવલ કરી દીધી છે. ઇંગ્લૅન્ડે ૧૨૬ રનની ઓપનિંગ પાર્ટનરશિપના આધારે બે વિકેટ ગુમાવીને ૩૦૪ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકન ટીમ ૧૬.૧ ઓવરમાં ૧૫૮ રનના સ્કોર પર ઢેર થઈ ગઈ હતી. ફુલ મેમ્બર નેશન ટીમ (ટેસ્ટપ્લેઇંગ નેશન) સામે આ ફૉર્મેટમાં ૩૦૦+ રન કરનાર પહેલી ટીમ બનેલી ઇંગ્લૅન્ડ આજે ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મૅચ રમવા નૉટિંગહૅમના મેદાન પર ઊતરશે.

પહેલી T20માં શૂન્ય પર આઉટ થનાર ફિલ સૉલ્ટે ૧૫ ફોર અને ૮ સિક્સરની મદદથી ૬૦ બૉલમાં ૧૪૧ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ૩૯ બૉલમાં તેણે ઇંગ્લૅન્ડ માટે ફાસ્ટેસ્ટ સદીનો રેકૉર્ડ પણ કર્યો. તેણે ઇંગ્લૅન્ડ માટે આ ફૉર્મેટમાં હાઇએસ્ટ સ્કોર કરવાનો પોતાનો ૨૦૨૩નો વેસ્ટ ઇન્ડીઝ સામેનો ૧૧૯ રનનો રેકૉર્ડ તોડ્યો હતો. 

T20 ઇન્ટરનૅશનલમાં ટીમનો હાઇએસ્ટ સ્કોર
વર્ષ ૨૦૨૪માં ગેમ્બિયા સામે ઝિમ્બાબ્વે - ૩૪૪/૪
વર્ષ ૨૦૨૩માં મૉન્ગોલિયા સામે નેપાલ - ૩૧૪/૩
વર્ષ ૨૦૨૫માં સાઉથ આફ્રિકા સામે ઇંગ્લૅન્ડ - ૩૦૪/૨
વર્ષ ૨૦૨૪માં બંગલાદેશ સામે ભારત - ૨૯૭/૬
વર્ષ ૨૦૨૪માં સેશેલ્સ સામે ઝિમ્બાબ્વે - ૨૮૬/૫

મેન્સ T20માં પહેલવહેલી વખત બની આ ઘટના
પહેલી વાર મેન્સ T20માં એક ટીમના ત્રણ બોલર્સે ૬૦+ રન આપી દીધા હોય એવી ઘટના બની છે. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર્સ કૅગિસો રબાડા (ચાર ઓવરમાં ૭૦ રન), માર્કો યાન્સેન (ચાર ઓવરમાં ૬૦ રન) અને લિઝાદ વિલિયમ્સે (ત્રણ ઓવરમાં ૬૨ રન) ટીમ માટે કોઈ સફળતા મેળવ્યા વગર સૌથી વધુ રન આપી દીધા હતા. રબાડાએ  ચાર નો-બૉલ અને બે વાઇડ-બૉલ ફેંક્યા હતા, જ્યારે વિલિયમ્સે ત્રણ વાઇડ-બૉલ કર્યા હતા. 

sports news sports cricket news indian cricket team south africa t20 england