15 April, 2026 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર બ્રાઇડન કાર્સ ઇન્જરીને કારણે IPL-ડેબ્યુ ન કરી શક્યો
ઇંગ્લૅન્ડનો ૩૦ વર્ષનો ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર બ્રાઇડન કાર્સ અજાણી ઇન્જરીને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માંથી બહાર થયો છે. ઇંગ્લૅન્ડ માટે ૧૪ ટેસ્ટ-મૅચ, ૩૦ વન-ડે અને ૧૪ T20 મૅચ રમનાર આ ખેલાડી IPL-ડેબ્યુ કરી શક્યો નથી. ૨૦૨૫ની સીઝનમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદે તેને એક કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે ઇન્જરીને કારણે તેનું IPL-ડેબ્યુ લંબાઈ રહ્યું છે.
તેના સ્થાને શ્રીલંકાના ડાબોડી ફાસ્ટ બોલર દિલશાન મદુશન્કાને ૭૫ લાખ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદમાં રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તેણે શ્રીલંકા માટે ૧ ટેસ્ટ-મૅચ, ૨૮ વન-ડે મૅચ અને ૧૯ T20 મૅચમાં ટોટલ ૭૦ વિકેટ લીધી છે. પચીસ વર્ષનો આ બોલર IPL-ડેબ્યુ કરવા આતુર હશે. તે ૨૦૨૪માં ૪.૬૦ કરોડ રૂપિયામાં મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થયો હતો, પણ તેને રમવાની તક નહોતી મળી.