16 November, 2026 03:09 PM IST | England | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડના ટૉમ બૅન્ટન અને જો રૂટ વચ્ચે બીજી વિકેટ માટે ૧૫૬ રનની ભાગીદારી થઈ હતી.
ઍડીલેડમાં આયોજિત બીજી વન-ડે મૅચમાં ૧૩૫ રનની જીત સાથે ઇંગ્લૅન્ડે યજમાન ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડેની સિરીઝ ૧-૧થી લેવલ કરી છે. ઓપનર ટૉમ બૅન્ટનની સદીની મદદથી અંગ્રેજ ટીમે ૩૫૫-૬નો સ્કોર કર્યો હતો. ઑસ્ટ્રેલિયા ૪૪.૩ ઓવરમાં ૨૨૦ રને ઑલઆઉટ થયું હતું. ઑસ્ટ્રેલિયામાં અગાઉ ઇંગ્લૅન્ડનો હાઇએસ્ટ વન-ડે સ્કોર ૨૦૧૪માં ૩૧૬-૮નો હતો.
ઓપનર ટૉમ બૅન્ટને ૯૯ બૉલમાં ૧૨ ફોર, ૪ સિક્સની મદદથી ૧૨૧ રન કર્યા હતા. જો રૂટે ૬૮ બૉલમાં ૬૨ રન અને જૉર્ડન કૉક્સે ૪૯ બૉલમાં ૬૭ રનનું યોગદાન આપ્યું હતું. ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટને ૩ વિકેટ મળી હતી.
૭ ઓવરમાં ૨૯ રનમાં ૪ વિકેટ ગુમાવ્યા પછી ઑસ્ટ્રેલિયાએ મૅટ રેનશૉના ૭૪ બૉલમાં ૬૩ રન અને કૅમરન ગ્રીનના ૮૨ બૉલમાં ૬૪ રનની મદદથી માંડ-માંડ ૨૦૦ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડના ૮ બોલિંગ વિકલ્પોમાંથી ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સને ૨૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી.