24 October, 2026 11:29 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent
હૅરી બ્રૂક
રાવલપિંડીમાં ગુરુવારે ઇંગ્લૅન્ડના ૪૨૯-૪ના સ્કોર સામે ૪૯.૫ ઓવરમાં ૮ વિકેટે ૪૩૦ રન કરીને શ્રીલંકાએ વન-ડે ક્રિકેટ ઇતિહાસનો બીજો હાઇએસ્ટ રન-ચેઝ કર્યો હતો. ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાએ કરેલો ૪૩૫ રનનો હાઇએસ્ટ રન-ચેઝનો ૨૦૦૬નો રેકૉર્ડ હજી પણ અંકબંધ છે. હાલમાં ૩૦ સપ્ટેમ્બરે ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ગુવાહાટીમાં ૪૦૬ રન કરીને બીજી હાઇએસ્ટ રન-ચેઝ નોંધાવી હતી.
ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકની ૧૧૪ બૉલની ડબલ સેન્ચુરી અને ૧૧૬ બૉલની ૨૦૨ રનની ઇનિંગ્સ એળે ગઈ હતી. ૧૪ વખત વન-ડે ક્રિકેટમાં વ્યક્તિગત ડબલ સેન્ચુરી નોંધાઈ છે પણ પહેલી વખત કોઈ ટીમને ડબલ સેન્ચુરી છતાં હાર મળી છે. વન-ડે મૅચોમાં હારના કિસ્સામાં નોંધાયેલા સર્વોચ્ચ સ્કોરનો ૧૭ વર્ષ જૂનો રેકૉર્ડ પણ તૂટ્યો છે. ૨૦૦૯માં ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીએ બંગલાદેશ સામે અણનમ ૧૯૪ રન કર્યા હતા છતાં ટીમને હાર મળી હતી.
ક્રિકેટ-કરીઅરમાં T20 સદી, લિસ્ટ A ક્રિકેટમાં ડબલ સેન્ચુરી અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર હૅરી બ્રૂક જગતનો પાંચમો મેન્સ ક્રિકેટર બન્યો છે. અગાઉ વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેઇલ તથા ભારતના વીરેન્દર સેહવાગ, રોહિત શર્મા અને પૃથ્વી શૉ આ કમાલ કરી ચૂક્યા છે.