31 December, 2025 10:31 AM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇંગ્લૅન્ડે આગામી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ૧૫ સભ્યોની પ્રોવિઝનલ એટલે કે કામચલાઉ ટીમ જાહેર કરી છે. હૅરી બ્રૂકના નેતૃત્વવાળી આ ટીમમાં પાછળથી ફેરફાર થઈ શકે છે. વર્લ્ડ કપ પહેલાં ઇંગ્લૅન્ડ ૨૨ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી દરમ્યાન શ્રીલંકા ટૂર પર ૩-૩ વન-ડે અને T20 મૅચની સિરીઝ રમશે. આ બન્ને સિરીઝ માટે પણ અલગથી ટીમ જાહેર કરવામાં આવી છે.
મેલબર્ન ટેસ્ટ-મૅચમાં ૭ વિકેટ લઈને ધમાલ મચાવનાર જૉશ ટન્ગને સિરીઝ અને ટુર્નામેન્ટ માટેની બન્ને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ૨૮ વર્ષનો આ ફાસ્ટ બોલર અંગ્રેજ ટીમ માટે માત્ર ૮ ટેસ્ટ-મૅચ રમ્યો છે. ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ટન્ગે ૬ મૅચમાં ૧૪ વિકેટ ઝડપી હતી. ટન્ગ શ્રીલંકા ટૂર પર પહેલી વખત અંગ્રેજ ટીમ માટે વન-ડે અને T20 મૅચ રમતો જોવા મળી શકે છે.
ફુલ્લી ફિટ થવાનો પ્રયાસ કરી રહેલા જોફ્રા આર્ચરને શ્રીલંકા ટૂર પર આરામ આપીને T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અનુભવી ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સને શ્રીલંકા ટૂર માટેની T20 ટીમમાં જ સ્થાન મળી શક્યું છે. લોકલ T20 ટુર્નામેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કરવા છતાંય વિસ્ફોટક બૅટર લિઆમ લિવિંગસ્ટનને કોઈ પણ T20 ટીમમાં સ્થાન નથી મળ્યું. IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે લિઆમ લિવિંગસ્ટનને ૧૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
હૅરી બ્રૂક, રેહાન અહમદ, જોફ્રા આર્ચર, ટૉમ બૅન્ટન, જેકબ બેથલ, જૉસ બટલર, સૅમ કરૅન, લિઆમ ડૉસન, બેન ડકેટ, વિલ જૅક્સ, જેમી ઓવર્ટન,આદિલ રશીદ, ફિલ સૉલ્ટ, જૉશ ટન્ગ, લૂક વુડ.