20 January, 2026 03:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પૅટ કમિન્સ
ઑસ્ટ્રેલિયાની ટીમ ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીના ભાગ રૂપે પાકિસ્તાનની ટૂર કરશે. ૨૯ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી દરમ્યાન ગદ્દાફી સ્ટેડિયમ ખાતે આયોજિત ૩ T20 મૅચની સિરીઝ માટે ગઈ કાલે ૧૭ સભ્યની સ્કવૉડ જાહેર કરવામાં આવી હતી. વર્કલોડ મૅનેજમેન્ટના ભાગ રૂપે વર્લ્ડ કપ સ્ક્વૉડના પાંચ પ્લેયર્સને આ ટૂરમાંથી આરામ આપવામાં આવ્યો છે.
ઇન્જરીમાંથી સ્વસ્થ થઈ રહેલા પૅટ કમિન્સ, જૉશ હેઝલવુડ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ અને નૅથન એલિસ પાકિસ્તાન ટૂર પર નહીં જઈને ફિટનેસ પર ફોકસ કરશે. પાકિસ્તાન ટૂર પર ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ સ્ક્વૉડમાંથી કૅપ્ટન મિચલ માર્શ સહિત ૧૦ પ્લેયર્સ પોતાની તૈયારીને અંતિમ રૂપ આપશે. ઑસ્ટ્રેલિયાની ટીમ પોતાની વર્લ્ડ કપની તમામ ગ્રુપ સ્ટેજ મૅચ શ્રીલંકામાં રમશે.\
કૅપ્ટન હૅરી બ્રૂક અને હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં પોતાની ટીમ સાથે શ્રીલંકા ટૂર પર પહોંચી ગયા છે. વન-ડે અને T20 સિરીઝ રમવા પહોંચેલી અંગ્રેજ ટીમને ઍરપોર્ટ પર પારંપરિક અંદાજમાં વેલકમ મળ્યું હતું. ૨૨ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી દરમ્યાન ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા વચ્ચે ૩-૩ મૅચની વન-ડે અને T20 સિરીઝ રમાશે. ઇંગ્લૅન્ડની ટીમ T20 વર્લ્ડ કપની ગ્રુપ-સ્ટેજની મૅચ મુંબઈ અને કલકત્તામાં રમવાની છે.