25 June, 2025 06:57 AM IST | Leeds | Gujarati Mid-day Online Correspondent
રિષભ પંતની ફાઇલ તસવીર
ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચે રમાય રહેલી લીડ્સ (Leeds) ટેસ્ટ રિષભ પંત (Rishabh Pant) માટે હંમેશા માટે યાદગાર બની ગઈ છે. પહેલી ટેસ્ટ (England vs India, 1st Test)ની બંને ઇનિંગ્સમાં રિષભ પંતે સદી ફટકારી હતી. તે આવું કરનારો વિશ્વનો માત્ર બીજો વિકેટકીપર બેટ્સમેન છે. જ્યારે, તે વિદેશી ધરતી પર આવું કરનારો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન છે. જોકે, હજી પહેલી ટેસ્ટના માત્ર ચાર દિવસ પૂરા થયા છે, એક દિવસ બાકી છે અને આ છેલ્લા દિવસે નક્કી થશે કે કઈ ટીમ મેચ જીતશે. આ દરમિયાન, રિષભ પંતને ઠપકો આપવામાં આવ્યો છે. વાસ્તવમાં, પંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (International Cricket Council - ICC)ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, અને તેને તેનું પરિણામ ભોગવવું પડ્યું છે.
લીડ્સ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે, રિષભ પંતે અમ્પાયરને બોલ બદલવાનો આગ્રહ કર્યો, પરંતુ અમ્પાયરે બોલ બદલવાનો ઇનકાર કર્યો, ત્યારબાદ પંતે પોતાની નારાજગી વ્યક્ત કરી અને અમ્પાયરની સામે બોલ ફેંકીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. આવી સ્થિતિમાં, હવે ICCએ પંતના તે કૃત્ય પર કાર્યવાહી કરી છે. ICCએ અમ્પાયર સાથે ગેરવર્તન કરવા બદલ પંતને ઠપકો આપ્યો છે અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેર્યો છે.
આઇસીસી (ICC)એ એક નિવેદનમાં કહ્યું, ‘રિષભ પંતને ખેલાડીઓ અને ખેલાડી સપોર્ટ સ્ટાફ માટે ICC આચાર સંહિતાની કલમ 2.8ના ઉલ્લંઘનનો માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણયથી અસંતોષ દર્શાવવાથી સંબંધિત છે.’
આ ઘટના ઇંગ્લેન્ડની ઇનિંગની ૬૧મી ઓવરમાં બની હતી, જ્યારે હેરી બ્રુક (Harry Brook) અને બેન સ્ટોક્સ (Ben Stokes) બેટિંગ કરી રહ્યા હતા અને મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) બોલિંગ કરવા આવ્યો હતો. ત્યારે રિષભ પંતે અમ્પાયરો સાથે બોલની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી પરંતુ અમ્પાયરે પંતની વાત સાંભળી ન હતી, ત્યારબાદ ભારતીય વિકેટકીપર પંતે અમ્પાયરની સામે જમીન પર બોલ ફેંકીને પોતાની અસંમતિ દર્શાવી હતી. પંતને આ વર્તન માટે ઠપકો આપવામાં આવ્યો છે. ખરેખર બન્યું એવું કે, ઓવરના ત્રીજા બોલ પછી, જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ અમ્પાયરને બોલ વિશે ફરિયાદ કરી. તેણે અમ્પાયરને બોલ ચેકર (ગેજ) માં મૂકીને બોલ તપાસવા કહ્યું. જોકે, બોલ પસાર થઈ ગયો અને અમ્પાયરે રમત ચાલુ રાખવા કહ્યું. આ પછી, હેરી બ્રુક આગળ આવ્યા અને ઓવરના પાંચમા બોલ પર ફોર ફટકારી. આ પછી, પંતે બીજા અમ્પાયરને પણ બોલ વિશે ફરિયાદ કરી. બોલ ફરી એકવાર ગેજ ટેસ્ટમાં પાસ થયો, પરંતુ પંત આનાથી નાખુશ દેખાતો હતો. તેણે ગુસ્સાથી બોલને અમ્પાયરની સામે ફેંકી દીધો.
રિષભ પંતને ICC આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. તેને ઠપકો આપવામાં આવ્યો છે અને ICCએ તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેર્યો છે. જોકે, હાલ પૂરતો આનો કોઈ પ્રભાવ પડશે નહીં. પંતે લેવલ 1નું ઉલ્લંઘન કર્યું છે. જોકે, પંત પર કોઈ શિસ્તભંગની સુનાવણી થઈ ન હતી કારણ કે ભારતીય વિકેટકીપરે પોતાનો ગુનો સ્વીકાર્યો હતો અને ICC મેચ રેફરી રિચી રિચાર્ડસન (Richie Richardson) દ્વારા પ્રસ્તાવિત સજા પણ સ્વીકારી હતી.
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન પર આ આરોપ ઓન-ફિલ્ડ અમ્પાયર ક્રિસ ગેફની (Chris Gaffaney) અને પોલ રાઇફલ (Paul Rifle), થર્ડ અમ્પાયર શરાફુદઉલ્લાહ ઇબ્ને શાહિદ (Sharafudaullah Ibne Shahid) અને ફોર્થ અમ્પાયર માઇક બર્ન્સ (Mike Burns) દ્વારા લગાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, લેવલ 1 ના ગુના માટે ઓછામાં ઓછી સજા સત્તાવાર ઠપકો છે, જ્યારે મહત્તમ સજા ખેલાડીની મેચ ફીના ૫૦ ટકા દંડ અથવા એક કે બે ડિમેરિટ પોઈન્ટ છે.
નોંધનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં રમાય રહેલી પહેલી ટેસ્ટમાં રિષભ પંતનું પ્રદર્શન સારું રહ્યું છે. પંતે મેચની પહેલી ઇનિંગમાં ૧૭૮ બોલમાં ૧૩૪ રન બનાવ્યા હતા. જેમાં ૧૨ ચોગ્ગા અને ૬ છગ્ગાનો સમાવેશ થતો હતો. આ પછી, જ્યારે તે બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે પંતે ૧૪૦ બોલમાં ૧૧૮ રન બનાવ્યા. આ વખતે પંતે ૧૫ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા. હવે પંત ભારતના તે પસંદગીના ખેલાડીઓમાંનો એક બની ગયો છે જેમણે ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારી છે.