29 June, 2025 06:36 AM IST | Birmingham | Gujarati Mid-day Correspondent
શાર્દૂલ ઠાકુર, અજિંક્ય રહાણે
હેડિંગ્લી ટેસ્ટ-મૅચમાં ભારતીય બોલિંગ-યુનિટમાંથી શાર્દૂલ ઠાકુરે સૌથી ઓછી ૧૬ ઓવર જ ફેંકી હતી. ૮૯ રન આપીને બે વિકેટ લેનાર આ ફાસ્ટ બોલર માટે તેના મુંબઈ રણજી ટીમના કૅપ્ટન અજિંક્ય રહાણેએ મોટું નિવેદન આપ્યું છે.
ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ યુટ્યુબ પર પોતાની નવી ચૅનલ પર પોસ્ટ કરેલા વિડિયોમાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે ઇંગ્લૅન્ડમાં ઑલરાઉન્ડરની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શાર્દૂલ ઠાકુર ભારતીય ટીમ માટે અનુભવી ખેલાડી રહ્યો છે અને તેણે વિદેશમાં ટેસ્ટમાં ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. હું શાર્દૂલ પાસેથી વધુ ઓવર જોવા માગું છું. જો ભારત શાર્દૂલનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે તો એ ખૂબ સારું રહેશે.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘શાર્દૂલ એવો બોલર છે જે બૉલને બન્ને બાજુ સ્વિંગ કરી શકે છે અને તે વિકેટટેકર બોલર છે. કૅપ્ટન તેને નવા બૉલથી બોલિંગની તક પણ આપી શકે છે. ડ્યુક્સ બૉલ સામાન્ય રીતે ૧૦ કે ૧૨ ઓવર પછી કામ કરવાનું શરૂ કરે છે. જો શાર્દૂલ બુમરાહ સાથે બોલિંગ શરૂ કરી શકે તો એ ખરેખર શાનદાર રહેશે. હું શાર્દૂલને ઘણી ઓવર બોલિંગ કરતો જોવા માગું છું. તેને સ્વતંત્રતા આપો અને તે તમને વિકેટ અપાવશે.’
શાર્દૂલ ઠાકુર ૧૨ ટેસ્ટ-મૅચમાં ૩૩ વિકેટ લઈ ચૂક્યો છે.