29 June, 2025 06:36 AM IST | Birmingham | Gujarati Mid-day Correspondent
જોફ્રા આર્ચર, માઇકલ વૉન
ઇંગ્લૅન્ડની ટીમે ભારત સામેની બીજી ટેસ્ટ-મૅચ માટે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને સ્ક્વૉડમાં સામેલ કર્યો છે. તે ફેબ્રુઆરી ૨૦૨૧માં ભારત સામે અમદાવાદમાં છેલ્લી ટેસ્ટ-મૅચ રમ્યો હતો. ચાર વર્ષ બાદ ટેસ્ટ-ટીમમાં વાપસી કરનાર આર્ચરે હાલમાં જ ૧૫૦૧ દિવસ બાદ કાઉન્ટી ક્રિકેટમાં વાપસી કરીને ડ્રૉ રહેલી મૅચમાં ૧૮ ઓવરમાંથી ૮ ઓવર મેઇડન કરીને, ૩૨ રન આપીને એક વિકેટ ઝડપી હતી.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને કહ્યું કે ‘ઇન્જરીમાંથી સ્વસ્થ થઈ રહેલા જોફ્રા આર્ચરને ભારત સામેની બીજી ટેસ્ટમાં રમાડવા માટે કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. સારી વાત એ છે કે જોફ્રાએ વાપસી કરી છે, પરંતુ હું તેને બીજી ચાર દિવસીય મૅચ (કાઉન્ટી ચૅમ્પિયનશિપ મૅચ) રમતા જોવા માગું છું. તે ચાર વર્ષથી આ ફૉર્મેટમાં રમ્યો નથી. એથી ફક્ત એક મૅચ પછી તેને પાછો લાવવો ખૂબ જ વહેલો ગણાશે. ટેસ્ટ મૅચ કાઉન્ટી ક્રિકેટથી અલગ છે. હું પહેલી ટેસ્ટ-મૅચ રમનાર ઇંગ્લૅન્ડની પ્લેઇગ ઇલેવનમાં કોઈ ફેરફાર જોવા માગતો નથી.’
જોફ્રા આર્ચરનો કેવો રહ્યો છે ટેસ્ટ-રેકૉર્ડ?
૩૦ વર્ષ જોફ્રા આર્ચરે વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ દરમ્યાન ૧૩ ટેસ્ટ-મૅચમાં ૨.૯૯ની ઇકૉનૉમી રેટથી બોલિંગ કરીને ૪૨ વિકેટ ઝડપી છે. તેણે ભારત સામેની બે ટેસ્ટ-મૅચમાં માત્ર ચાર વિકેટ લીધી છે. તેણે ઘરઆંગણે રમેલી ૮ ટેસ્ટ-મૅચમાં ૩૦ અને વિદેશી ધરતી પર રમેલી પાંચ મૅચમાં ૧૨ વિકેટ લીધી છે.