21 June, 2025 07:28 AM IST | Leeds | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન કૅપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર
ઇંગ્લૅન્ડ અને ભારતની ટેસ્ટ-ટીમ વચ્ચે આગામી ૪૫ દિવસ સુધી પાંચ ટેસ્ટ-મૅચનો રસપ્રદ જંગ જોવા મળશે. ભારત અત્યાર સુધી ઇંગ્લૅન્ડમાં ફક્ત ત્રણ વખત ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. ૧૯૭૧માં અજિત વાડેકર, ૧૯૮૬માં કપિલ દેવ અને ૨૦૦૭માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં આ સિદ્ધિ ભારતે મેળવી હતી. હવે નવો ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ અનુભવી પ્લેયર્સની ગેરહાજરીમાં યંગ ક્રિકેટર્સ સાથે આ યાદીમાં પોતાનું નામ મેળવવા માટે ઉત્સુક રહેશે.
બન્ને ટીમો વચ્ચે ૧૯૩૨થી ૩૪ ટેસ્ટ-સિરીઝ રમાઈ છે. ભારતમાં રમાયેલી ૧૬માંથી ત્રણ સિરીઝ ડ્રૉ રહી છે. ૯ સિરીઝ ભારત અને ચાર સિરીઝ ઇંગ્લૅન્ડ જીત્યું છે. ઇંગ્લૅન્ડમાં રમાયેલી ૧૮માંથી માત્ર બે સિરીઝ ડ્રૉ રહી છે. ૧૩ ઇંગ્લૅન્ડ અને ૩ ભારત જીત્યું છે એટલે કે બન્ને દેશ વચ્ચે પાંચ ટેસ્ટ-સિરીઝ ડ્રૉ રહી છે, ૧૨ સિરીઝ ભારત અને ૧૭ સિરીઝ ઇંગ્લૅન્ડ જીત્યું છે.
પ્રૅક્ટિસ વખતે મજાક-મસ્તી કરતા રિષભ પંત, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા
આજથી પ્રથમ ટેસ્ટ-મૅચ જ્યાં રમાવાની છે એ હેડિંગ્લી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ૭ ટેસ્ટ-મૅચ રમાઈ છે જેમાંથી ભારતને બેમાં જીત અને ચારમાં હાર મળી છે, જ્યારે એક ટેસ્ટ-મૅચ ડ્રૉ ગઈ હતી. આ મેદાન પર ભારત ૧૯૮૬માં કપિલ દેવ અને ૨૦૦૨માં સૌરવ ગાંગુલીની કૅપ્ટન્સીમાં ટેસ્ટ-મૅચ જીત્યું હતું. ત્યાર બાદ ભારત અહીં સીધું ૨૦૨૧માં ટેસ્ટ-મૅચ રમ્યું હતું જેમાં વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારત એક ઇનિંગ્સ અને ૪૬ રને હાર્યું હતું. ઇંગ્લૅન્ડમાં ટ્રોફી જીતવાના દુકાળ સાથે આ મેદાન પર રેકૉર્ડ સુધારવાનો પડકાર પણ શુભમન ગિલ ઍન્ડ કંપની સામે રહેશે.
ઇંગ્લૅન્ડ જેવી મોટી ટીમ સામે ટેસ્ટ-સિરીઝ જીતવી એ IPL ટાઇટલ કરતાં વધુ મહત્ત્વનું છે - ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ
સ્ટાર પ્લેયર્સની ગેરહાજરી છતાં ભારત સામેનો મુકાબલો સરળ નહીં હોય, ભારતીય ક્રિકેટ પાસે પ્રતિભાનો ભંડાર છે - ઇંગ્લૅન્ડનો ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સ
ટેસ્ટ-સિરીઝનું શેડ્યુલ
પહેલી ટેસ્ટ : ૨૦થી ૨૪ જૂન - લીડ્સ
બીજી ટેસ્ટ : બીજીથી ૬ જુલાઈ - બર્મિંગહૅમ
ત્રીજી ટેસ્ટ : ૧૦થી ૧૪ જુલાઈ - લૉર્ડ્સ, લંડન
ચોથી ટેસ્ટ : ૨૩થી ૨૭ જુલાઈ - મૅન્ચેસ્ટર
પાંચમી ટેસ્ટ : ૩૧ જુલાઈથી ૪ ઑગસ્ટ - ધ ઓવલ, લંડન
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૧૩૬ |
ઇંગ્લૅન્ડની જીત |
૫૧ |
ભારતની જીત |
૩૫ |
ડ્રૉ |
૫૦ |