ટેસ્ટ-ઇનિંગ્સમાં પોતાની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લેનારો પ્રથમ અંગ્રેજ બોલર બન્યો ઑલી રૉબિનસન

06 June, 2026 10:33 AM IST  |  Westminster | Gujarati Mid-day Correspondent

અંગ્રેજ ટીમના ૩૨ વર્ષના ફાસ્ટ બોલર ઑલી રૉબિનસને ૧૦.૫ ઓવરમાં ૩૯ રન આપીને પાંચ વિકેટ લીધી હતી

પહેલી જ ઓવરમાં ૩ વિકેટ લીધા બાદ સાથી-ખેલાડીઓ સાથે વિકેટ લેવાની ઉજવણી કરતો ઑલી રૉબિનસન

લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની ૧૫૦મી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ગુરુવારે ૧૬ વિકેટ પડી ગઈ હતી. હૅરી બ્રુકના ૭૧ બૉલમાં ૫૬ રનના આધારે ઇંગ્લૅન્ડ પહેલા દાવમાં ૩૯.૪ ઓવરમાં ૧૪૦ રને ઑલઆઉટ થઈ ગયું હતું. વરસાદથી પ્રભાવિત પહેલા દિવસની રમતમાં ન્યુ ઝીલૅન્ડે ૧૯.૨ ઓવરમાં ૬૧ રનના સ્કોરે ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ગઈ કાલે બીજા દિવસની રમતમાં ૨૯.૫ ઓવરમાં કિવી ટીમે ૧૧૩ રનના સ્કોરે તમામ વિકેટ ગુમાવી દીધી હતી.

અંગ્રેજ ટીમના ૩૨ વર્ષના ફાસ્ટ બોલર ઑલી રૉબિનસને ૧૦.૫ ઓવરમાં ૩૯ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેણે પોતાની પહેલી જ ઓવરમાં ઓપનર ડેવોન કૉન્વેને LBW, ત્રીજા ક્રમના બૅટર કેન વિલિયમસનને કૅચઆઉટ અને ચોથા ક્રમે રમવા આવેલા રચિન રવીન્દ્રને LBW કરીને ઇતિહાસ રચ્યો હતો. તે ટેસ્ટ-ઇનિંગ્સમાં પોતાની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લેનારો પહેલો અંગ્રેજ બોલર બન્યો છે.

આવી કમાલ અગાઉ ૧૯૯૯માં શ્રીલંકાના નુવાન ઝોયસાએ ઝિમ્બાબ્વે સામે, ૨૦૦૬માં ભારતના ઇરફાન પઠાણે પાકિસ્તાન સામે, ૨૦૦૮માં ન્યુ ઝીલૅન્ડના ડૅનિયલ વેટોરીએ બંગલાદેશ સામે, ૨૦૧૭માં પાકિસ્તાનના હૅરિસ સોહેલે શ્રીલંકા સામે, ૨૦૨૨માં ઑસ્ટ્રેલિયાના સ્કૉટ બૉલેન્ડે અને ૨૦૨૫માં ઑસ્ટ્રેલિયન બોલર મિચલ સ્ટાર્કે વેસ્ટ ઇન્ડીઝ સામે કરી હતી. 

england new zealand test cricket cricket news sports sports news