ફાસ્ટેસ્ટ ૧૦૦ પ્લસ રનનો ટેસ્ટ-ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ બની ગઈ ઇંગ્લૅન્ડ

02 December, 2024 07:59 AM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

બીજી ઇનિંગ્સમાં ૨૫૪ રને ઢેર થયેલા કિવીઓ સામે ૧૨.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૦૪ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો અંગ્રેજોએ : ૫૩ મિનિટની અંદર ૭૬ બૉલમાં ૧૫ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૧૦૪ રન બનાવ્યા

જેકબ બેથેલે ૩૭ બૉલમાં ૫૦ રન ફટકારીને જો રૂટ (૨૩ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૪૯ રનની પાર્ટનરશિપ કરી હતી.

બેઝબૉલ સ્ટાઇલ માટે પ્રખ્યાત ઇંગ્લૅન્ડે ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટના ચોથા દિવસે T20 સ્ટાઇલમાં રમીને જીત મેળવી હતી. પહેલી ઇનિંગ્સમાં ૩૪૮ રને ઑલઆઉટ થયેલી યજમાન ટીમ ન્યુ ઝીલૅન્ડે બીજી ઇનિંગ્સમાં ૨૫૪ રન ફટકારીને ૧૦૪ રનનો સરળ ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪૯૯ રનનો વિશાળ સ્કોર ખડકનારી મહેમાન ટીમ ઇંગ્લૅન્ડે ૫૩ મિનિટની અંદર બે વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરીને ઑલરાઉન્ડ પ્રદર્શનના આધારે ત્રણ મૅચની આ સિરીઝની વિજયી શરૂઆત કરી છે.  

ઇંગ્લૅન્ડ માટે આ સતત પાંચમી ટેસ્ટ-સિરીઝ છે જેમાં તેણે પહેલી ટેસ્ટમાં જીત સાથે શરૂઆત કરી છે. તેઓ છેલ્લે ૨૦૨૩માં ઍશિઝ દરમ્યાન ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચમાં હાર્યા હતા. ઇંગ્લૅન્ડની ટીમ ૧૬ વર્ષ બાદ ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ટેસ્ટ-મૅચ જીતી છે. છેલ્લે એણે માર્ચ ૨૦૦૮માં ન્યુ ઝીલૅન્ડને તેની જ ધરતી પર ૧૨૧ રને હરાવ્યું હતું. ત્યાર બાદ અંગ્રેજોએ ન્યુ ઝીલૅન્ડમાં ચાર ટેસ્ટ-સિરીઝની ૯ મૅચ રમ્યા પણ ક્યારેય જીત નોંધાવી શક્યા નહોતા.

૧૫૫/૬થી ચોથા દિવસની શરૂઆત કરીને ન્યુ ઝીલૅન્ડે ડેરિલ મિચલની ૮૪ રનની ઇનિંગ્સને કારણે બે કલાકથી વધુ સમય સુધી લડત આપી પણ આખરે ટીમ ૨૫૪ રને ઑલઆઉટ થઈ હતી. ઝડપથી રન બનાવવાના ચક્કરમાં ઇંગ્લૅન્ડના ઓપનર ઝૅક ક્રૉલી (એક રન) અને બેન ડકેટ (૨૭ રન) ઝડપથી આઉટ થયા હતા પણ ૨૧ વર્ષના ડેબ્યુડન્ટ જેકબ બેથેલે ૩૭ બૉલમાં ૫૦ રન ફટકારીને ખલબલી મચાવી હતી. તેણે ૧૩૫.૧૪ના સ્ટ્રાઇક-રેટથી ૮ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પહેલી ટેસ્ટ-ફિફ્ટી નોંધાવી હતી, તે પહેલી ઇનિંગ્સમાં ૧૦ રને આઉટ થયો હતો. તેણે બેન ડકેટ સાથે બીજી વિકેટ માટે ૫૪ રન અને જો રૂટ (૨૩ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૪૯ રનની પાર્ટનરશિપ કરી હતી.

એકસાથે બે રેકૉર્ડ બ્રેક કર્યા ઇંગ્લૅન્ડની ટીમે

બીજી ઇનિંગ્સમાં ૫૩ મિનિટની બૅટિંગ દરમ્યાન ઇંગ્લૅન્ડની ટીમે ૧૨.૪ ઓવર એટલે કે ૭૬ બૉલમાં ૧૫ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૧૦૪ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમ ટેસ્ટ-ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ફાસ્ટેસ્ટ ૧૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ બની છે. આ પહેલાં ૨૦૧૭માં કાઇસ્ટચર્ચમાં જ ન્યુ ઝીલૅન્ડે પાકિસ્તાન સામે ૧૮.૪ ઓવરમાં ૧૦૯ રન બનાવી આ રેકૉર્ડ બનાવ્યો હતો. ૧૯૮૩માં વેસ્ટ ઇન્ડીઝની ટીમે ભારત સામે ટાર્ગેટ ચેઝ કરતા સમયે ૬.૮૨ના હાઇએસ્ટ રન-રેટનો રેકૉર્ડ બનાવ્યો હતો. ઇંગ્લૅન્ડે ગઈ કાલે ૮.૨૧ના રન-રેટ સાથે આ રેકૉર્ડ પણ પોતાને નામે કર્યો છે. 

જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં ચોથી ઇનિંગ્સનો કિંગ બન્યો

ગઈ કાલે ઇંગ્લૅન્ડની બીજી અને મૅચની ચોથી ઇનિંગ્સમાં ૧૫ બૉલમાં ૨૩ રન ફટકારીને જો રૂટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરનો મોટો રેકૉર્ડ તોડ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં મૅચની ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ રન ફટકારનાર બૅટર બની ગયો હતો.  ૬૦ ઇનિંગ્સમાં ૧૬૨૫ રન સાથે સચિનના નામે આ રેકૉર્ડ હતો. જો રૂટે ૪૯ ઇનિંગ્સમાં બે સેન્ચુરી અને આઠ ફિફ્ટીની મદદથી ૧૬૩૦ રન ફટકારી આ રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો. ૩૩ વર્ષના જો રૂટની ટેસ્ટ-કરીઅરની આ ૧૫૦મી મૅચ હતી. તે પહેલી ઇનિંગ્સમાં ન્યુ ઝીલૅન્ડના ડેબ્યુડન્ટ નૅથન સ્મિથ સામે ચાર બૉલમાં શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. તે ઑસ્ટ્રેલિયાના સ્ટીવ વો અને રિકી પૉન્ટિંગ બાદ ૧૫૦મી ટેસ્ટ મૅચમાં શૂન્ય રને આઉટ થનારો દુનિયાનો ત્રીજો બોલર બન્યો હતો. 

england new zealand test cricket cricket news sports sports news