યજમાન ઇંગ્લૅન્ડે સેમી-ફાઇનલમાં સાઉથ આફ્રિકાને ૪૦ રને માત આપી

04 July, 2026 03:36 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

પાંચ જુલાઈએ લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ અંગ્રેજો અને કાંગારૂઓ વચ્ચે રમાશે, ઇંગ્લૅન્ડના ૧૬૯/૫ના સ્કોર સામે સાઉથ આફ્રિકા ૮ વિકેટે માત્ર ૧૨૯ રન કરીને ૪૦ રને હારી ગયું

સિવર-બ્રન્ટે ૪૭ બૉલમાં ૭૫ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો, છેલ્લી બે વખતની રનર-અપ ટીમ સાઉથ આફ્રિકાને ૨૦૧૪ અને ૨૦૨૦ બાદ ત્રીજી વખત સેમી-ફાઇનલમાં હાર મળી.

લંડનના કેનિંગ્ટન ઓવલમાં ગુરુવારે મોડી રાતે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમી-ફાઇનલ મૅચ શરૂ થઈ હતી. યજમાન ઇંગ્લૅન્ડે સેમી-ફાઇનલમાં સાઉથ આફ્રિકાને ૪૦ રને માત આપીને રેકૉર્ડ પાંચમી વખત ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. આવતી કાલે પાંચ જુલાઈએ લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યજમાન ટીમની ટક્કર ઑસ્ટ્રેલિયા સાથે થશે. 
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ઇંગ્લૅન્ડે પાંચ વિકેટે ૧૬૯ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૨૯ રન કર્યા હતા. ૪૦ રને હારનાર છેલ્લા બે વર્લ્ડ કપની રનર-અપ ટીમ સાઉથ આફ્રિકા આ હરીફ સામે ૨૯ T20 મૅચમાં ચાર વખત જ જીતી શકી છે. કેનિંગ્ટન ઓવલમાં તમામ ૬ T20 મૅચ જીતીને ઇંગ્લૅન્ડે પહેલી વખત T20 વર્લ્ડ કપમાં સતત છ મૅચ જીતવાનો રેકૉર્ડ પણ કર્યો હતો. 21,128 વિમેન્સ T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં સૌથી વધુ ભીડનો રેકૉર્ડ બન્યો.

england south africa womens world cup t20 world cup london cricket news sports news sports