12 July, 2026 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રાન્તિ ગૌડે પાંચ વિકેટ લીધી હતી.
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી ઐતિહાસિક પહેલી વિમેન્સ ટેસ્ટ-મૅચના બીજા દિવસે ભારતે પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. ભારતના ૨૮૫ રનના સ્કોર સામે ઇંગ્લૅન્ડની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૫૯.૧ ઓવરમાં ૧૭૦ રન કરીને ઑલઆઉટ થઈ હતી. પહેલી ઇનિંગ્સના સ્કોરના આધારે ભારત પાસે ૧૧૫ રનની લીડ હતી.
બીજા દિવસની શરૂઆતમાં ઇંગ્લૅન્ડે બારમી ઓવરમાં ૨૧-૧ના સ્કોર સાથે પહેલી ઇનિંગ્સ આગળ વધારી હતી. કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટે ટીમ માટે ચોથા ક્રમે રમીને ૮૫ બૉલમાં ૪ ફોર અને એક સિક્સના આધારે ૪૪ રન કર્યા હતા.
યજમાન ટીમે પોતાની અંતિમ ૬ વિકેટ માત્ર ૩૯ રનમાં ગુમાવી દીધી હતી. ભારત તરફથી પેસ બોલર ક્રાન્તિ ગૌડે ૧૭ ઓવરમાં માત્ર ૩૭ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. પેસ બોલર સાયલી સાતઘરે અને સ્પિનર સ્નેહ રાણાને બે-બે વિકેટ મળી હતી.
બીજા દિવસના અંતે ભારતીય ટીમે બીજી ઇનિંગ્સમાં ૪૨ ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે ૧૫૪ રન કર્યા હતા. યજમાન ટીમ સામે ભારતે ૨૬૯ રનની લીડ જાળવી રાખી હતી.
11 - આટલાં વર્ષ બાદ ઇંગ્લૅન્ડમાં કોઈ મહિલા પેસ બોલરે ટેસ્ટ-મૅચમાં પાંચ વિકેટ લીધી. છેલ્લે ૨૦૧૫માં ઑસ્ટ્રેલિયાની એલિસ પેરીએ આવી કમાલ કરી હતી.