ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સમાં વધુ એક ગુજરાતના ખેલાડીની એન્ટ્રી

19 September, 2021 02:11 PM IST  |  Mumbai | Agency

જસપ્રીત બુમરાહ અને પંડ્યા બ્રધર્સ બાદ ગુજરાતના લેફ્ટ આર્મ મીડિયમ પેસર રુશ કાલારિયાનો સમાવેશ

ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સમાં વધુ એક ગુજરાતના ખેલાડીની એન્ટ્રી

આજથી યુએઈમાં આઇપીએલની અટકી ગયેલી ૧૪મી સીઝનની ફરીથી શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ગુજરાત ક્રિકેટ અસોસિએશનના લેફ્ટ આર્મ મીડિયમ પેસર ખેલાડી રુશ કાલરિયાની મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં પસંદગી થઈ છે.
રુશ કાલરિયાની પસંદગી થતાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં વધુ એક ગુજરાતના ક્રિકેટરનો સમાવેશ થયો છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ વતી આઇપીએલની મૅચમાં રમી રહ્યા છે. રુશ કાલરિયાની પસંદગી થતાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં ગુજરાતી ક્રિકેટરોની સંખ્યા વધીને ૪ થઈ છે જેથી આ ટીમમાં ગુજરાતી ક્રિકેટરોનો દબદબો જોવા મળશે.
રુશ કાલરિયાએ અત્યાર સુધી ૫૪ ફર્સ્ટ ક્લાસ મૅચો, ૪૬ લિસ્ટ-એ ગેમ્સ અને ૩૧ ટી૨૦ મૅચમાં કુલ ૨૭૧ વિકેટ ઝડપી છે. ગુજરાત ક્રિકેટ અસોસિએશનના હોદ્દેદારો રુશ કાલરિયાને અભિનંદન પાઠવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે રાઇટ હૅન્ડ બૅટ્સમૅન અને લેફ્ટ આર્મ મીડિયમ પેસર રુશ કાલરિયા ૨૦૧૨માં આઇસીસી અન્ડર– ૧૯ ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયન ટીમમાંથી રમ્યો હતો. રાજકોટમાં જન્મેલા રુશ કાલરિયા ગુજરાત ક્રિકેટ અસોસિએશન વતી રમે છે અને અમદાવાદમાં રહે છે.

sports news sports cricket news shailesh nayak