ગૌતમ ગંભીરને દોષી માનવો એ કોઈ એજન્ડા જેવું લાગે છે : સિતાંશુ કોટક

21 November, 2025 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બીજી ટેસ્ટ-મૅચ માટેની પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે કહ્યું હતું

ભારતીય ટીમના બૅટિંગ-કોચ સિતાંશુ કોટક

ભારતીય ટીમના બૅટિંગ-કોચ સિતાંશુ કોટક સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ-મૅચમાં ભારતની હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીર પર થઈ રહેલી ટીકાથી ખૂબ નારાજ છે. ગઈ કાલે બીજી 
ટેસ્ટ-મૅચ માટેની પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ‘લોકો શા માટે માત્ર ગૌતમ ગંભીરને દોષી માની રહ્યા છે. અમે જીતીએ છીએ ત્યારે કોઈ કાંઈ કહેતું નથી. કેટલાક લોકોનો પોતાનો એજન્ડા હોઈ શકે છે, તેમને શુભકામના; પરંતુ આ ખૂબ ખરાબ છે.’

હું આ કહી રહ્યો છું કારણ કે હું સ્ટાફનો સભ્ય છું અને મને ખરાબ લાગે છે એમ જણાવતાં સિતાંશુ કોટકે કહ્યું હતું કે ‘કોઈ બૅટરો અને બોલરો વિશે વાત નથી કરી રહ્યા. કલકત્તા ટેસ્ટ-મૅચ માટે ગંભીરે દોષ સ્વીકાર્યો, કારણ કે તેને લાગ્યું કે ત્યાંના ક્યુરેટરને દોષ ન આપવો જોઈએ.’

કલકત્તા ટેસ્ટમાં ભારે ટર્નવાળી પિચ બનાવવાનો અખતરો ભારતને જ ભારે પડ્યો હતો. ૧૨૪ રનના ટાર્ગેટ સામે ભારત ૩૦ રને હાર્યું હતું.

કરો યા મરો ટેસ્ટ-મૅચ પહેલાં ભારતીય ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર કામાખ્યાદેવીના શરણે પહોંચ્યો

‍કલકત્તા ટેસ્ટ-મૅચમાં ભારતની કારમી હાર બાદ ગૌતમ ગંભીરના નિર્ણયો અને કોચિંગ પર સવાલ ઊભા થયા છે. આવતી કાલથી ગુવાહાટીમાં શરૂ થનારી બીજી ટેસ્ટ-મૅચ જીતીને ભારત સિરીઝ ડ્રૉ કરી શકશે, નહીં તો સિરીઝ ગુમાવવાનો વારો આવશે. આ કરો યા મરો ટેસ્ટ-મૅચ પહેલાં હેડ કોચ ગૌતમ ગંભીરે ગુવાહાટીમાં પ્રખ્યાત કામાખ્યાદેવીના મંદિર પહોંચીને પ્રાર્થના કરીને આશીર્વાદ લીધા હતા. અગાઉ મહત્ત્વપૂર્ણ સિરીઝ કે ટુર્નામેન્ટ પહેલાં ગંભીર કામાખ્યાદેવી સહિત ઘણાં મહત્ત્વનાં મંદિરોમાં આશીર્વાદ લેતો જોવા મળ્યો છે.

gautam gambhir indian cricket team team india test cricket india south africa cricket news sports sports news