26 October, 2025 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન શર્મા, મોહિત જાંગરા
ગઈ કાલે શરૂ થયેલા રણજી ટ્રોફીના બીજા રાઉન્ડની મૅચમાં સર્વિસિસના બે બોલરોએ એક જ ઇનિંગ્સમાં હૅટ-ટ્રિક લઈને ઇતિહાસ રચ્યો છે. પહેલી ઇનિંગ્સમાં ૧૭.૨ ઓવરમાં આસામ ૧૦૩ રને ઑલઆઉટ થયું અને સર્વિસિસ ટીમ ૨૯.૨ ઓવરમાં ૧૦૮ રન કરીને સમેટાઈ ગઈ હતી. બીજી ઇનિંગ્સમાં ૨૧ ઓવરમાં પાંચ વિકેટે ૫૬ રન કરીને હાલમાં આસામની ટીમ ૫૧ રનની લીડ સાથે આગળ છે.
પહેલી ઇનિંગ્સની રમતમાં સર્વિસિસના બોલર અર્જુન શર્મા અને મોહિત જાંગરાએ હૅટ-ટ્રિક લઈને ધમાલ મચાવી હતી. સ્પિનર અર્જુન શર્માએ ૬.૨ ઓવરમાં ૪૬ રન આપીને પાંચ વિકેટ લીધી હતી, જ્યારે ફાસ્ટ બોલર મોહિત જાંગરાએ ચાર ઓવરમાંથી બે ઓવર મેઇડન ફેંકીને માત્ર પાંચ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. રણજી ટ્રોફીના ઇતિહાસમાં પહેલવહેલી વાર એક ઇનિંગ્સમાં ડબલ હૅટ-ટ્રિકની ઘટના બની છે.