WPL ઑક્શન પહેલાં T20ની બેસ્ટ ઇનિંગ્સ રમી મેગ લૅનિંગ

21 November, 2025 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે વિમેન્સ બિગ બૅશ લીગની મૅચમાં ફટકાર્યા ૧૩૫ રન, એક જ ઇનિંગ્સમાં ૨૬ બાઉન્ડરીનો ટુર્નામેન્ટમાં કર્યો રેકૉર્ડ 

મેગ લૅનિંગ

ઑસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કૅપ્ટન મેગ લૅનિંગે વિમેન્સ બિગ બૅશ લીગમાં ૧૩૫ રન ફટકારીને પોતાની T20 કરીઅરનો બેસ્ટ સ્કોર નોંધાવ્યો છે. તેણે ગઈ કાલે મેલબર્ન સ્ટાર માટે શાનદાર સદી ફટકારીને ટીમનો સ્કોર ૪ વિકેટે ૨૧૯ રન સુધી પહોંચાડ્યો હતો. વરસાદના વિઘ્નને લીધે સિડની સિક્સર્સને ૧૦ ઓવરમાં ૧૫૪ રનનો ટાર્ગેટ મળ્યો પરંતુ ટીમ ૭.૪ ઓવરમાં ૪૨ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ૧૧૧ રનના વિશાળ અંતર સાથે વર્તમાન સીઝનમાં મેલબર્ન ટીમનો આ પહેલો વિજય હતો.

૩૩ વર્ષની મેગ લૅનિંગે ઓપનિંગમાં ઊતરીને ૧૮૨.૪૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. તેણે ૭૪ બૉલમાં ૧૩૫ રન કર્યા હતા. તેની ઇનિંગ્સમાં ૨૨ ફોર અને ૪ સિક્સર સહિત ૨૬ બાઉન્ડરી જોવા મળી હતી જે આ ટુર્નામેન્ટમાં એક ઇનિંગ્સની સૌથી વધુ બાઉન્ડરીનો રેકૉર્ડ છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝનના ઑક્શન પહેલાં તેણે પોતાનો પાવર બતાવ્યો છે. દિલ્હી કૅપિટલ્સને સતત ત્રણ વખત ફાઇનલમાં લઈ જઈને નિષ્ફળ થનાર મેગ લૅનિંગને ઑક્શન પહેલાં રિલીઝ કરવામાં આવી છે.

womens premier league cricket news sports news sports