05 November, 2025 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાંતા રંગાસ્વામી
વિમેન્સ વર્લ્ડ કપમાં જીત મળ્યાને હજી બે દિવસ થયા છે ત્યાં કૅપ્ટન હરમનપ્રીત કૌરને કૅપ્ટન્સી સ્મૃતિ માન્ધનાને સોંપી દેવાની સલાહ મળવા માંડી છે. જોકે આવા પરિવર્તનની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી, પણ વર્લ્ડ કપમાં મળેલી ઐતિહાસિક સફળતા બાદ તરત એ સંદર્ભની ચર્ચાને લીધે હરમનપ્રીતના ચાહકોને આંચકો લાગ્યો છે. ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન શાંતા રંગાસ્વામીએ ચૅમ્પિયન કૅપ્ટન હરમનપ્રીતને સલાહ આપી છે કે માન્ધનાને ટીમની કમાન સોંપી દેવાનો સમય આવી ગયો છે.
પરિવર્તન માટે યોગ્ય સમય
પરિવર્તન માટે આ યોગ્ય સમય છે એમ કહીને શાંતા રંગાસ્વામીએ કહ્યું હતું કે ‘આવું પહેલાં થવું જોઈતું હતું, કેમ કે હરમનપ્રીત બૅટર અને ફીલ્ડર તરીકે ઉત્તમ છે, પણ વ્યૂહરચનામાં તે ઘણી વાર ગૂંચવાઈ જાય છે. મને લાગે છે કે કૅપ્ટન્સીની જવાબદારી વગર તે ટીમને વધુ યોગદાન આપી શકે છે. જુઓ આટલી મોટી ઐતિહાસિક સફળતા બાદ આવુ કરવું ઘણાને નહીં ગમે પણ ભારતીય ક્રિકેટના અને હરમનપ્રીતના પોતાના હિતમાં આવું કરવાનો આ યોગ્ય સમય છે. મને લાગે છે કે કૅપ્ટન્સીના બોજ વગર એક બૅટર તરીકે તે ટીમમાં ઘણું વધુ યોગદાન આપી શકે છે. તે હજી ત્રણ-ચાર વર્ષ આરામથી રમી શકે છે. જવાબદારીથી મુક્ત થઈને તે સહેલાઈથી લાંબા સમય સુધી રમતને માણી શકશે. સ્મૃતિને ત્રણેય ફૉર્મેટની જવાબદારી સોંપી દેવી જોઈએ. તમારે ભવિષ્યના વર્લ્ડ કપને લઈને પણ આ યોજના બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ.’
હરમનપ્રીતનો માહી મૅજિક: કૅપ્ટન હરમનપ્રીત કૌરે સોમવારે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ગેટવે ઑફ ઇન્ડિયા સામે પોઝ આપ્યો હતો. સોશ્યલ મીડિયામાં આ ફોટો ભારે વાઇરલ થયો હતો અને ૨૦૧૧માં વર્લ્ડ કપ જીત્યા બાદ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના એ આઇકૉનિક પોઝની યાદ આવી ગઈ હતી.
રોહિત શર્માના હાલ જોઈ લે
ચૅમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્માએ કૅપ્ટન્સી ન છોડી પણ સિલેક્ટરોએ તેને હટાવીને શુભમન ગિલને જવાબદારી સોંપી દીધી. શાંતા રંગાસ્વામી આ જ ઉદાહરણ આપીને કહે છે, ‘રોહિત શર્માના મામલે પણ સિલેક્ટરોએ એ જ કર્યું છે. શાનદાર સફળતા છતાં ભવિષ્યનો વિચાર કરીને ફેરફાર કર્યો. મહિલા ટીમ માટે આ યોગ્ય સમય છે.’
બોલિંગ-ફીલ્ડિંગ સુધારો
ભારતીય ટીમ ચૅમ્પિયન બની એ બદલ રંગાસ્વામીએ ખુશી વ્યક્ત કરી હતી, પણ સાથોસાથ અમુક કમજોરી તરફ પણ તેમણે ધ્યાન દોર્યું હતું. તેમણે આ બાબતે કહ્યું હતું કે ‘અમારા સમયમાં ટીમની બૅટિંગ સૌથી નબળી હતી, પણ હવે એ ખૂબ મજબૂત જણાઈ રહી છે. જોકે બોલિંગ-અટૅક ચિંતાનો વિષય છે અને ફીલ્ડિંગ હજી વધુ સારી થઈ શકે છે. ઑસ્ટ્રેલિયા જેવી ટીમ એટલા માટે હારી કેમ કે તેમની પાસે સારો બોલિંગ-અટૅક નહોતો. મને લાગ્યું કે તેમના કરતાં બંગલાદેશ અને પાકિસ્તાનના બોલરો સારા હતા. આપણા બૅટર્સે આપણને ચૅમ્પિયન બનાવ્યા છે.’