ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન ૨૨ વર્ષ પછી છેતરપિંડી અને બનાવટી પાસપોર્ટ કેસમાં દોષમુક્ત જાહેર થયો

22 August, 2026 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનને ૨૦૦૪ના UK ગેરકાયદેસર પ્રવેશ કેસમાં દિલ્હીની કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ૨૨ વર્ષ બાદ મળેલી રાહતને તેમણે જીવન બદલનાર નિર્ણય ગણાવ્યો.

જેકબ માર્ટિન

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનને ૨૨ વર્ષ જૂના કેસમાં મોટી રાહત મળી છે. ૨૦૦૪માં યુનાઇટેડ કિંગડમમાં ગેરકાયદેસર પ્રવેશ સંબંધિત છેતરપિંડી અને કાવતરાના કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે ૨૦૦૪માં જેકબ માર્ટિનની ક્લબ ટીમનો એક સભ્ય વીઝા સમાપ્ત થયા પછી યુનાઇટેડ કિંગડમમાં રહ્યો અને બનાવટી ઇમિગ્રેશન સ્ટૅમ્પને કારણે ભારત પાછું આવવું પડ્યું. બનાવટી સ્ટૅમ્પને કારણે ટીમના એ સભ્યને બ્રિટનમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા પછી આ કેસ શરૂ થયો હતો.
દિલ્હીની એક કોર્ટે ચુકાદો આપ્યો કે ‘ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો કે જેકબ માર્ટિને આ મામલે કોઈ પૈસા સ્વીકાર્યા હતા અને બનાવટી પાસપોર્ટ સ્ટૅમ્પ મેળવવાનું કાવતરું ઘડ્યું હતું.’
બરોડામાં જન્મેલો ૫૪ વર્ષનો જેકબ માર્ટિન કહે છે, ‘મારું નામ પ્રારંભિક FIRમાં પણ નહોતું, પરંતુ તપાસ દરમ્યાન મને ફસાવવામાં આવ્યો કારણ કે હું એક ઇન્ટરનૅશનલ ક્રિકેટર હતો. આ ૨૨ વર્ષો દરમ્યાન મને ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ જવાબ મળ્યો નહીં અને મેં રેલવેમાં મારી નોકરી પણ ગુમાવી દીધી. એ ભારે તનાવનો સમય હતો, પરંતુ આખરે ચુકાદો આવ્યો અને મને ક્લીન ચિટ આપવામાં આવી છે. આ એક મોટી રાહત છે અને આ નિર્ણય મારા જીવનમાં મોટો ફેરફાર લાવવાનો છે.’

india united kingdom cricket news sports news sports