કર્ણાટકના ભૂતપૂર્વ રણજી ચૅમ્પિયન અક્ષયનું ડિવિઝનલ મૅચ દરમ્યાન હાર્ટ-અટૅકથી નિધન

26 May, 2026 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૪-’૧૫ સીઝનમાં રણજી ટ્રોફી જીતનાર મજબૂત કર્ણાટક ટીમનો ભાગ હતો...

સંથેબેન્નુર લોકેશ અક્ષય

કર્ણાટકના ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર સંથેબેન્નુર લોકેશ અક્ષયનું રવિવારે ૩૯ વર્ષની વયે અવસાન થયું. અહેવાલો અનુસાર બૅન્ગલોરમાં ડિવિઝન-થ્રીની મૅચ રમતી વખતે હાર્ટ-અટૅક આવતાં અક્ષયનું અકાળ અવસાન થયું. હૉસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ફાસ્ટ બોલર તરીકે બોલિંગની ૪ ઓવર પૂર્ણ કર્યા પછી અક્ષય આરામ કરવા માટે મેદાનની બહાર ગયો હતો. તેણે થોડો નાસ્તો કર્યો અને રમતના મેદાનમાં પાછા ફરતાં પહેલાં ટૉઇલેટ પણ ગયો હતો. જોકે ફીલ્ડિંગ દરમ્યાન તે મેદાન પર ઢળી પડ્યો એ જોઈને ખેલાડીઓ અને અમ્પાયરો આઘાતમાં મુકાઈ ગયા હતા. ખેલાડીઓ અને સપોર્ટ-સ્ટાફ અક્ષયની સારવાર માટે દોડી ગયા અને તેને તાત્કાલિક ઈસ્ટ પૉઇન્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને ‘ડેડ ઑન અરાઇવલ’ જાહેર કર્યો હતો.

ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વિનય કુમારની આગેવાનીમાં કર્ણાટકે તેલંગણ સામે ૨૦૧૪-`૧૫ની રણજી ટ્રૉફી સીઝન જીતી એ સ્કવૉડમાં અક્ષય પણ સામેલ હતો. અક્ષયે પોતાની કરીઅરની ૬ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૧૮ વિકેટ લઈને ૮૯ રન પણ કર્યા હતા. ૯ T20 મૅચમાં તેણે ૮ વિકેટ અને લિસ્ટ-Aની ત્રણ મૅચમાં ૬ વિકેટ લીધી હતી. 

ranji trophy champions ranji trophy karnataka cricket news sports news