News In Shorts: સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર ધર્મરાજસિંહ જાડેજાનું નિધન

12 September, 2023 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડોદરાથી મળતા પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર ધર્મરાજસિંહ જાડેજાનું ગઈ કાલે કૅન્સર સામેની ઘણી લાંબી લડત બાદ અવસાન થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર ધર્મરાજસિંહ જાડેજાનું નિધન

વડોદરાથી મળતા પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર ધર્મરાજસિંહ જાડેજાનું ગઈ કાલે કૅન્સર સામેની ઘણી લાંબી લડત બાદ અવસાન થયું હતું. તેઓ ૬૫ વર્ષના હતા. લેફ્ટ-આર્મ સ્પિનર ધર્મરાજસિંહ જાડેજા ૧૯૭૬થી ૧૯૮૪ દરમ્યાન ૧૭ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યા હતા, જેમાં તેમણે ૩૪ વિકેટ લીધી હતી. તેઓ સૌરાષ્ટ્ર વતી ૧૬ રણજી મૅચ રમ્યા હતા. તેમના મોટા ભાઈ રાજેન્દ્રસિંહ જાડેજા પણ સૌરાષ્ટ્ર વતી ફર્સ્ટ-ક્લાસ મૅચો રમ્યા હતા. રાજેન્દ્રસિંહનું ૨૦૨૧માં કોવિડકાળ પછી તબિયત બગડતાં નિધન થયું હતું. તેઓ ૫૦ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યા હતા.

સ્પૅનિશ સૉકરના સિરિયલ કિસર ચીફે રાજીનામું આપવું પડ્યું
વિમેન્સ ફિફા ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ જીતનાર સ્પેનની ટીમની લગભગ બધી ચૅમ્પિયન પ્લેયર્સને સેલિબ્રેશન વખતે સ્ટેજ પર કિસ કરનાર અને જેની હર્મોસો નામની પ્લેયરને લિપ કિસ કરનાર સ્પૅનિશ સૉકર ફેડરેશનના ચીફ લુઇસ રુબિયાલ્સે છેવટે રાજીનામું આપીને પદ છોડવું પડ્યું છે. મહિલા ટીમ સાથેના આ ગેરવર્તન બદલ હોદ્દો છોડવા તેમના પર ભારે દબાણ હતું. તેમણે હવે યુનિયન ઑફ યુરોપિયન ફુટબૉલ અસોસિએશન્સનું ઉપ-પ્રમુખપદ પણ છોડી દીધું છે. તેમની કિસ-કન્ટ્રોવર્સીને પગલે વર્લ્ડ કપની તમામ ૨૩ ખેલાડીઓ સહિત કુલ ૮૧ સ્પૅનિશ પ્લેયર્સે જાહેર કર્યું હતું કે લુઇસ તેમના હોદ્દા પર રહેશે ત્યાં સુધી તેઓ સ્પૅન વતી એકેય મૅચ નહીં રમે. 

હૉકી પ્લેયર્સને પરિવારની હાજરીમાં ઇન્ડિયા જર્સી
૨૩ સપ્ટેમ્બરે શરૂ થતી એશિયન ગેમ્સ માટે ચીન જવા તૈયારી કરી રહેલી ભારતની મહિલા હૉકી ટીમની ખેલાડી સોનિકાની મમ્મી ટીમની સૅન્ડ-ઑફ સેરેમની (સુનહરા સફર)માં હાજરી આપવા દિલ્હીથી ફ્લાઇટમાં બૅન્ગલોર આવી ત્યારે સોનિકાને અણસાર પણ નહોતો કે તેને એશિયાડ માટેની ઇન્ડિયા જર્સી ખુદ તેની મમ્મીના હસ્તે મળશે. આ તેની પહેલી એશિયન ગેમ્સ છે અને એ માટેની જર્સી પોતાની મમ્મીના હસ્તે મેળવીને તે બેહદ ખુશ છે.

cricket news sports news vadodara