13 March, 2026 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની
યોગરાજ સિંહે એમ. એસ. ધોની પર યુવરાજ સિંહની ઇન્ટરનૅશનલ કરીઅર બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર સંદીપ પાટીલે આ દાવા વિશે મોટો ખુલાસો કર્યો હતો. ૨૦૧૨થી ૨૦૧૬ દરમ્યાન ચીફ સિલેક્ટર રહેલા સંદીપ પાટીલ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘કોઈ સિલેક્શન મીટિંગમાં, કોઈ ટૂર પર કે કોઈ મૅચ દરમ્યાન ધોનીએ યુવરાજ સિંહને પડતો મૂકવાનું કહ્યું નહોતું. હું આ જાહેરમાં કહી રહ્યો છું.’ ૧૯૮૩નો વર્લ્ડ કપ જીતેલી ટીમના મુંબઈકર સભ્ય સંદીપ પાટીલ વધુમાં કહે છે, ‘એક પિતા તરીકે યોગરાજ સિંહમાં પોતાના પુત્ર પ્રત્યે મજબૂત લાગણી હોવી એ ખોટું નથી, પરંતુ દોષ સીધી રીતે ખોટી બાજુ પર નાખવામાં આવી રહ્યો છે. આ બે ભારતીય સ્ટાર્સ વચ્ચે કોઈ તનાવ નથી.’ યુવરાજ સિંહ જૂન ૨૦૧૭માં ભારત માટે છેલ્લી વખત રમ્યો હતો, જ્યારે ધોની છેલ્લી વખત જુલાઈ ૨૦૧૯માં ભારત માટે રમ્યો હતો.
ભારતીય ટીમમાંથી ડ્રૉપ કર્યો પછી ગૌતમ ગંભીર મારી તરફ જોતો જ નથી : સંદીપ પાટીલ
સંદીપ પાટીલે ઇન્ટરવ્યુમાં ભારતના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર વિશે મહત્ત્વપૂર્ણ વાત શૅર કરી છે. તે કહે છે, ‘ટીમમાંથી ડ્રૉપ કરવાનો નિર્ણય લીધો ત્યારથી ગંભીર હજી પણ મારાથી નારાજ છે. તેણે ક્યારેય મારી સાથે વાત કરી નથી. અમે ઘણી ન્યુઝ-ચૅનલના શો પર સાથે હતા, પણ ગૌતમે ક્યારેય મારી તરફ જોયું પણ નહીં. જ્યારે પણ હું હેલો કહું છું ત્યારે કોઈ જવાબ મળતો નથી, એક નજર પણ નહીં.’ સંદીપ પાટીલ વધુમાં કહે છે, ‘હું હજી પણ આ માણસનો આદર કરું છું. એક સમયે અમે સાથે ટેનિસ રમતા. દર બે અઠવાડિયે તે મને ફોન કરતો. દરેક ક્રિકેટર ડ્રૉપ થયા પછી અલગ અનુભવે છે. વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી શાંતિથી ચાલ્યા ગયા હતા.’ગૌતમ ગંભીર ભારત માટે ડિસેમ્બર ૨૦૧૨માં છેલ્લી T20, જાન્યુઆરી ૨૦૧૩માં છેલ્લી વન-ડે અને નવેમ્બર ૨૦૧૬માં છેલ્લી ટેસ્ટ-મૅચ રમ્યો હતો.
સિલેક્શન કમિટીના નિર્ણયથી સચિન તેન્ડુલકર ચોંકી ગયો હતો
ઇન્ટરનૅશનલ ક્રિકેટનો હાઇએસ્ટ રનસ્કોરર સચિન તેન્ડુલકર નવેમ્બર ૨૦૧૩માં વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લી વખત ભારત માટે રમ્યો હતો. ભારતના ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર સંદીપ પાટીલે માસ્ટર બ્લાસ્ટરની એ અંતિમ મૅચ પહેલાંના સમયને યાદ કરીને કહ્યું હતું કે ‘મેં તેને તેનો ફ્યુચર પ્લાન પૂછીને સિલેક્શન કમિટી તેનું રિપ્લેસમેન્ટ શોધી રહી છે એ જણાવી દીધું હતું. તે આ નિર્ણયથી ચોંકી ગયો હતો. તેણે ફરી ફોન કરીને મને પૂછ્યું હતું કે તમે લોકો ખરેખર સિરિયસ છો અને આ વાત સાચી છેને? સચિને પાછળથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.’