15 March, 2025 07:27 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
આબિદ અલી
ડિસેમ્બર-૧૯૬૭થી ડિસેમ્બર-૧૯૭૪ દરમ્યાન ભારત માટે ૨૯ ટેસ્ટ-મૅચ રમનારા ઑલરાઉન્ડર ક્રિકેટર સૈયદ આબિદ અલીનું ૮૩ વર્ષની વયે અમેરિકાના કૅલિફૉર્નિયાના ટ્રેસીમાં નિધન થયું છે એમ તેમના પારિવારિક સંબંધી અને નૉર્થ અમેરિકા ક્રિકેટ લીગના રેઝા ખાને ગઈ કાલે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું.
કપિલ દેવ સાથે આબિદ અલી.
મીડિયમ પેસબોલર અને નીચલા ક્રમના બૅટ્સમૅન આબિદ અલી ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં ભારતીય ક્રિકેટ-ટીમના સ્ટાર ખેલાડી પૈકી એક હતા. આંધ્ર પ્રદેશના હૈદરાબાદના મેદાનથી તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
આબિદ અલીએ ૧૯૬૭ની ૨૩ ડિસેમ્બરે ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું. ૧૯૭૪ની ૧૫ ડિસેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ સામે તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ-મૅચ રમી હતી. ૨૯ ટેસ્ટમાં તેમણે ૨૦.૩૬ની સરેરાશથી ૧૦૧૮ રન બનાવ્યા હતા જેમાં છ અડધી સદી સામેલ હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર ૮૧ રન હતો. તેમણે ૪૨.૧૨ની સરેરાશથી ૪૭ વિકેટ લીધી હતી. તેમનો શ્રેષ્ઠ દેખાવ પંચાવન રનમાં ૬ વિકેટનો હતો. તેમણે પાંચ વન-ડે પણ રમી હતી અને ૯૩ રન બનાવ્યા હતા. વન-ડેમાં તેમનો ટોચનો સ્કોર ૭૦ હતો. તેમણે ૨૬.૭૧ની સરેરાશથી ૭ વિકેટ ઝડપી હતી.
૧૯૭૧માં ઇંગ્લૅન્ડમાં ઓવલના મેદાનમાં એક મૅચમાં વિનિંગ રન ફટકાર્યા બાદ આબિદ અલી.
તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દિગ્ગજ ખેલાડી હતા અને ૨૧૨ મૅચમાં ૮૭૩૨ રન બનાવ્યા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેઓ કૅલિફૉર્નિયાને પોતાનું ઘર બનાવવા અમેરિકા શિફ્ટ થયા હતા. કૅલિફૉર્નિયામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.