31 December, 2025 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ, બૅટર કે. એલ. રાહુલ, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (બારમો ખેલાડી)એ પણ આ ટીમમાં સામેલ થવાનું સન્માન મેળવ્યું
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે વર્ષ ૨૦૨૫ માટેની બેસ્ટ ટેસ્ટ-ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં ભારત-ઑસ્ટ્રેલિયાના ૪-૪ અને સાઉથ આફ્રિકા-ઇંગ્લૅન્ડના ૨-૨ પ્લેયર્સને સ્થાન મળ્યું છે. આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) જીતનાર કૅપ્ટન ટેમ્બા બવુમાને આ ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતમાં ટેસ્ટ-સિરીઝ દરમ્યાન શાનદાર પ્રદર્શન કરનાર સાઉથ આફ્રિકન સ્પિનર સાઇમન હાર્મર પણ આ ટીમમાં સામેલ છે.
ઑસ્ટ્રેલિયાના ટ્રૅવિસ હેડ, ઍલેક્સ કૅરી, મિચલ સ્ટાર્ક અને સ્કૉટ બૉલૅન્ડને આ ટીમમાં એન્ટ્રી મળી છે. ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સ અને બૅટર જો રૂટ પણ ટીમનો ભાગ છે. ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ, બૅટર કે. એલ. રાહુલ, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (બારમો ખેલાડી)એ પણ આ ટીમમાં સામેલ થવાનું સન્માન મેળવ્યું છે.
શુભમન ગિલે આ વર્ષે નવ ટેસ્ટ-મૅચમાં હાઇએસ્ટ ૯૮૩ રન ફટકાર્યા છે, જ્યારે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ૧૧ મૅચમાં ૫૫ વિકેટ લીધી છે. ટેસ્ટ-ક્રિકેટમાં આ વર્ષે ૫૦ પ્લસ વિકેટ લેનાર એકમાત્ર બોલર મિચલ સ્ટાર્ક છે.