05 June, 2026 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌથી મોટા મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપમાં ભારતીય મૂળના ૪ ખેલાડીઓ જોવા મળશે
ભારતીય સમય અનુસારે ૧૨ જૂનથી ૨૦ જુલાઈ દરમ્યાન ૪૮ ટીમો વચ્ચેનો સૌથી મોટો ફુટબૉલ વર્લ્ડ કપ શરૂ થશે. મેન્સ ટીમો વચ્ચેની આ ઐતિહાસિક ટુર્નામેન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ, કૅનેડા અને મેક્સિકોમાં રમાશે. આ ટુર્નામેન્ટના એશિયન ક્વૉલિફાયર રાઉન્ડમાં ગ્રુપ Aમાં ત્રીજા ક્રમે રહેવાથી ભારત વર્લ્ડ કપની ૪૮ ટીમો સુધી પહોંચી શક્યું નહોતું.
જોકે ૨૦ વર્ષ બાદ ભારતીય મૂળના ખેલાડીઓની હાજરી આ વર્લ્ડ કપમાં જોવા મળશે. છેલ્લે ૨૦૦૬માં વિકાસ ધોરાસુ રનરઅપ ટીમ ફ્રાન્સની સ્ક્વૉડનો ભાગ હતો. આ વર્લ્ડ કપમાં ચાર ભારતીય મૂળના ખેલાડીઓ ચાર દેશોની ટીમની સ્ક્વૉડનો ભાગ બન્યા છે. સરપ્રીત સિંહ ન્યુ ઝીલૅન્ડ, તહસીન મોહમ્મદ જમશીદ કતર, નિશાન વેલુપિલ્લય ઑસ્ટ્રેલિયા અને સૅમ્યુઅલ મુતુસામી કોંગો દેશની સ્ક્વૉડમાં સામેલ છે.
ઓળખો ૪ ભારતીય ફુટબૉલરોને
સરપ્રીત સિંહ (૨૭ વર્ષ): વેલિંગ્ટનમાં જન્મેલા આ મિડફીલ્ડર ખેલાડીનાં માતા-પિતા જાલંધર-પંજાબના રહેવાસી છે. ૨૦૧૮માં ડેબ્યુ કર્યા પછી તેણે ન્યુ ઝીલૅન્ડ માટે ૨૪ મૅચ રમી છે. તે ઘૂંટણની ગંભીર ઈજામાંથી સ્વસ્થ થઈને રાષ્ટ્રીય ટીમમાં પાછો ફર્યો છે.
તહસીન મોહમ્મદ જમશીદ (૧૯ વર્ષ) : કેરલમના કન્નુરમાં જન્મેલા આ ખેલાડીનાં મમ્મી-પપ્પા ૧૯૯૬માં કતરમાં શિફ્ટ થયાં હતાં. કતર સ્ટાર્સ લીગમાં ભાગ લીધા બાદ તેણે આ વર્લ્ડ કપના ક્વૉલિફાયરમાં સિનિયર ટીમ માટે ડેબ્યુ કર્યું હતું.
નિશાન વેલુપિલ્લય (૨૫ વર્ષ) : મેલબર્નમાં જન્મેલા આ ખેલાડીના પપ્પા શ્રીલંકાના અને મમ્મી ભારતનાં છે. આ વર્લ્ડ કપના ક્વૉલિફાયરમાં ડેબ્યુ કર્યા બાદ તે ઑસ્ટ્રેલિયા માટે ૬ મૅચ રમ્યો છે.
સૅમ્યુઅલ મુતુસામી (૨૯ વર્ષ): આ ડિફેન્સિવ મિડફીલ્ડર ખેલાડીનો જન્મ પૅરિસમાં થયો હતો. તેની મમ્મી કોંગોની રહેવાસી અને પપ્પા ભારતીય મૂળના છે. ૨૦૧૯માં ડેબ્યુ કર્યા પછી તે કોંગો માટે ૫૭ મૅચ રમ્યો છે.
માત્ર એક વખત ફુટબૉલ માટે ક્વૉલિફાય થયું હતું ભારત
૧૯૫૦માં બ્રાઝિલમાં આયોજિત ફિફા મેન્સ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ક્વૉલિફાય થઈ હતી. એશિયન ક્વૉલિફાયરમાંથી મ્યાંમાર, ઇન્ડોનેશિયા અને ફિલીપીન્સે એક સાથેનામ પાછું ખેંચી લેતાં ભારત પ્રતિસ્પર્ધા વગર ફુટબૉલના વર્લ્ડ કપમાં પહોંચ્યું હતું. ભારતને સ્વીડન પૅરાગ્વે અને ઇટલી સાથે ગ્રુપ-થ્રીમાં રાખવામાં આવ્યું હતું. જોકે ભારતીય ફુટબૉલ ફેડરેશને ફંડની અછત અને ખુલ્લા પગે ન રમવાના નિયમોને કારણે ટુર્નામેન્ટમાંથી હટવું પડ્યું હતું.