રોહિતને ટી૨૦ કૅપ્ટન્સીના બોજમાંથી મુક્ત કરો : સેહવાગ

28 June, 2022 07:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રોહિતને ત્રણેય ફૉર્મેટનો કૅપ્ટન બનાવાયો છે

રોહિતને ટી૨૦ કૅપ્ટન્સીના બોજમાંથી મુક્ત કરો : સેહવાગ

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન વીરેન્દર સેહવાગનું માનવું છે કે રોહિત શર્માને ટી૨૦ કૅપ્ટન્સીના બોજમાંથી મુક્ત કરવો જોઈએ, કારણ કે જો એવું કરાશે તો (તેની ૩૫ વર્ષની ઉંમર જોતાં) તેને માનસિક થાક ઓછો લાગશે, બાકીની જવાબદારી સરખી રીતે સંભાળી શકશે અને તેનો બૅટિંગ-પર્ફોર્મન્સ પણ સુધરી શકશે.
રોહિતને ત્રણેય ફૉર્મેટનો કૅપ્ટન બનાવાયો છે ત્યારથી તે ઈજાને લીધે તેમ જ વર્કલોડ મૅનેજમેન્ટને કારણે તમામ મૅચોમાં નથી રમી શક્યો. સેહવાગે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘જો ભારતીય ટીમ મૅનેજમેન્ટના ધ્યાનમાં કોઈ ખેલાડી ટી૨૦ ટીમનો કૅપ્ટન બનવાને લાયક હોય તો તેને બનાવીને રોહિતને એ બોજમાંથી મુક્ત કરી દેવો જોઈએ. બીજું, જો ભાર ઓછો થશે તો રોહિત બ્રેક લઈ શકશે અને વન-ડે તથા ટેસ્ટમાં વધુ સારી રીતે નેતૃત્વ સંભાળી શકશે. જો ભારતીય ક્રિકેટના મોવડીઓ ત્રણેય ફૉર્મેટમાં એક જ કૅપ્ટન રાખવાની નીતિને વળગી રહેવા માગતા હોય તો પછી એ માટે રોહિત જ બેસ્ટ છે.’
અલગ કૅપ્ટનોની શરૂઆત ૧૯૯૭માં
સ્પ્લીટ કૅપ્ટન્સીની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી ત્યારે ઑસ્ટ્રેલિયન સિલેક્ટરોએ માર્ક ટેલરને ટેસ્ટ ટીમનો કૅપ્ટન બનાવ્યા બાદ સ્ટીવ વૉને વન-ડે ટીમની કૅપ્ટન્સી સોંપી હતી. ઇંગ્લૅન્ડમાં પણ આવી નીતિ અપનાવાઈ છે. જો રૂટને ટેસ્ટ કૅપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે ઇયોન મૉર્ગનને વન-ડે ટીમનું સુકાન સોંપાયું હતું.
ભારતમાં સંભવ નથી : કપિલ
ભારતમાં સ્પ્લીટ કૅપ્ટન્સીની નીતિ મોટા ભાગે અપનાવાઈ જ નથી. વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવ જાહેરમાં કહી ચૂક્યા છે કે આપણા દેશમાં સ્પ્લીટ કૅપ્ટન્સીનું કલ્ચર ચાલે જ નહીં. ગયા વર્ષે રોહિતને વાઇટ બૉલ ક્રિકેટનો સુકાની બનાવાયો એના ગણતરીના દિવસોમાં વિરાટ કોહલીએ ટેસ્ટની કૅપ્ટન્સી છોડી દેતાં રોહિતને એ ફૉર્મેટનું નેતૃત્વ પણ સોંપાયું હતું.

sports news cricket news