ગૅસ્કેટને સતત ૧૭મી વાર હરાવીને નડાલ ત્રીજા રાઉન્ડમાં

05 June, 2021 04:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પોતાના ૩૬મા જન્મદિવસે ખાલીખમ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં નડાલે ૬-૦, ૭-૫, ૬૦૨થી સીધા સેટમાં વિજય મેળવ્યો હતો

નડાલ

પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાં ગઈ કાલે મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડના મુકાબલામાં નડાલે હરીફ રિચર્ડ ગૅસ્કેટને હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. પોતાના ૩૬મા જન્મદિવસે ખાલીખમ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં નડાલે ૬-૦, ૭-૫, ૬૦૨થી સીધા સેટમાં વિજય મેળવ્યો હતો. ૨૦૦૪માં બન્ને ખેલાડીઓ વચ્ચેની ટક્કર બાદ નડાલનો આ તેની સામે સતત ૧૭મો વિજય હતો. ઉપરાંત ૨૦૦૮ બાદ નડાલ સામે સતત ૧૨મી હારમાં ગૅસ્કેટ એક સેટ પણ નથી જીતી શક્યો.

નડાલ ઉપરાંત લાંબા સમય બાદ ગ્રૅન્ડ સ્લૅમ રમી રહેલા રૉજર ફેડરર પણ હરીફ મારિન સિલિચ સામે ૬-૨, ૨-૬, ૭-૬, ૬-૨થી વિજય મેળવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ મૅચમાં મિસ્ટર કૂલ ફેડરર એક સમયે થોડો ગુસ્સામાં જોવા મળ્યો હતો અને અમ્પાયર સાથે તેની ઉગ્ર દલીલ થઈ હતી. સિલિચે અમ્પાયરને ફરિયાદ કરી હતી કે ફેડરર તૈયાર થવામાં બહુ વાર લગાડે છે.

સ્પેનો અલ્કારેઝ યંગેસ્ટ

સ્પેનનો ૧૮ વર્ષનો કાર્લોસ અલ્કારેઝે બીજા રાઉન્ડમાં જીત મેળવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. આ સાથે ૧૯૯૨ બાદ ફ્રેન્ચ ઓપનમાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવનાર તે સૌથી યુવા ખેલાડી બન્યો છ. આ ઉપરાંત પહેલા રાઉન્ડમાં જીત મેળવીને પણ ૨૦૦૫માં નોવાક જૉકોવિચ બાદ ફ્રેન્ચ ઓપનમાં મૅચ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. અલ્કારેઝનો જન્મ ૨૦૦૩માં થયો હતો અને એ જ વર્ષે રૉજર ફેડરર તેનું પહેલું ગ્રૅન્ડ સ્લૅમ જીત્યો હતો.

પહેલી, બીજી બાદ ત્રીજી પણ ગઈ

મહિલા સિંગલ્સમાં અપસેટનો સિલસિલો ગઈ કાલે પણ જોવા મળ્યો હતો. સેકન્ડ સીડેડ નાઓમી ઓસાકા માનસિક સમસ્યાને લીધે ખસી ગઈ હતી અને નંબર વન ઍશ્લીઘ બાર્ટી ઇન્જરીને લીધે બીજા રાઉન્ડમાં હટી ગયા બાદ ગઈ કાલે ત્રીજા ક્રમાંકિત આર્યના સબાલેન્કા ત્રીજા રાઉન્ડમાં રશિયન ખેલાડી સામે ૪-૬, ૬-૨, ૦-૬થી હારીને બહાર થઈ ગઈ હતી.

મૅચ હાર્યા બાદ રશિયન ખેલાડીની મૅચ-ફિક્સિંગ બદલ ધરપકડ

ગુરુવારે રશિયન મહિલા ખેલાડી યાના સિઝિકોવાની વિમેન્સ ડબલ્સની મૅચ હાર્યા બાદ ગયા વર્ષે ફ્રેન્ચ ઓપનમાં મૅચ-ફિક્સિંગ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે યાના અને તેની નવી પાર્ટનર એકાટેરિના ઍલેક્ઝાન્ટ્રોવા મહિલા ડબલ્સમાં પહેલા રાઉન્ડમાં જ ૧-૬, ૧-૬થી સાવ સહેલાઈથી હારી ગયા હતા. હારનો ગમ ઓછો હોય એમ મૅચ બાદ તરજ યાનાની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે યાના અને તેની અમેરિકન પાર્ટનર મૅડિસન બ્રેન્ગલ ગયા વર્ષે પણ પ્રથમ રાઉન્ડમાં રોમાનિયન જોડી સામે હારી ગયાં હતાં. આ મૅચ દરમ્યાન ખૂબ બૅટિંગ થયું હોવાથી પૅરિસ પોલીસને મૅચ-ફિક્સિંગની શંકા ગઈ હતી અને ઑક્ટોબરથી એની તપાસ શરૂ કરી હતી.

sports sports news french open rafael nadal