03 November, 2026 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર
ભારતીય હેડ કોચ તરીકે અનુભવાતા માનસિક થાક વિશે ગૌતમ ગંભીરે ખૂલીને વાત કરી છે. ગૌતમ ગંભીર કહે છે, ‘હું બહાનાં કાઢવામાં માનતો નથી. મારા શબ્દકોશમાં, મારી વિચારધારામાં ડર માટે કોઈ સ્થાન નથી. આ શબ્દ મારા જીવનમાં અસ્તિત્વ જ ધરાવતો નથી. ભારત જેવી ટીમને કોચિંગ આપવાનો અર્થ એ છે કે અહીં બેદરકારીને કોઈ સ્થાન નથી. કામના બોજની અસરને કારણે ઘણી વખત માનસિક રીતે થાકી જવાય છે. જોકે હું આ પ્રેશરને સંભાળી શકું એટલો મજબૂત છું.’
ક્રિકેટરના વર્કલોડને રોટેશન અને આરામ દ્વારા સંચાલિત કરવામાં આવે છે, પરંતુ તમામ ફૉર્મેટના હેડ કોચ તરીકે ગંભીરને રમતથી દૂર રહેવા માટે ખૂબ ઓછો સમય મળ્યો છે. તેની જવાબદારીઓ દરેક ફૉર્મેટમાં ફેલાયેલી છે એના કારણે આખું વર્ષ તેનું શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત રહે છે.