15 November, 2025 02:21 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કલકત્તામાં ભાવિ ફુટબૉલર્સ સાથે ગૌતમ ગંભીરનો વાર્તાલાપ
કલકત્તા ટેસ્ટ-મૅચના પ્રારંભ પહેલાં હેડ કોચ ગૌતમ ગંભીરે ચિલ્ડ્રન્સ ડેની સ્પેશ્યલ મીટિંગમાં ભાગ લીધો હતો. ફુટબૉલપ્રેમીઓની ધરતી કલકત્તામાં ગંભીરે દેશના ભાવિ ફુટબૉલર્સ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેણે આ બાળકોને સખત મહેનત કરવા, શૉર્ટકટ ટાળવા, નિષ્ફળતાઓથી નિરાશ ન થવા અને રમતને પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં.
ફુટબૉલ શીખી રહેલા એક બાળકે પ્રશ્ન કર્યો હતો કે અભ્યાસ અને રમતગમતને કેવી રીતે સંતુલિત કરી શકાય? એનો જવાબ આપતાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘અભ્યાસ અને ફુટબૉલ એકસાથે ચાલવા જોઈએ. તમારે ટીવી જોવામાં અથવા તમારા ફોનનો ઉપયોગ કરવામાં વિતાવેલા સમય સાથે સમાધાન કરવું પડશે. જેટલો સારો અભ્યાસ કરશો એટલી સારી રીતે તમે વસ્તુઓ સમજી શકશો.’