મેન્ટર ધોની અને કોચ શાસ્ત્રી વચ્ચે બવાલ ન થાય તો સારું : ગાવસકર

10 September, 2021 11:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અહીં શાસ્ત્રી જાણે છે કે ધોનીને કોચિંગમાં કોઈ રસ નથી

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકરે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમના મેન્ટર તરીકેની નિમણૂકને વધાવતાં કહ્યું હતું કે જો તેના અને કોચ શાસ્ત્રી વચ્ચે રણનીતિને લઈને જો મતભેદ હશે તો તે ટી૨૦ વર્લ્ડ કપમાં વિપરીત અસર પણ પાડી શકે છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ૪૦ વર્ષનો ધોની ૨૦૧૯માં વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પોતાની છેલ્લી મૅચ રમ્યો હતો. ગાવસકરે કહ્યું હતું કે તે ઘણો અનુભવી છે. બધું જ જાણે છે. રમતો હતો ત્યારે તેના કરતાં ખતરનાક બીજો કોઈ નહોતો, પરંતુ જો ટીમની પસંદગી અને રણનીતિને લઈને શાસ્ત્રી સાથે તેનો તાલમેલ થઈ ગયો તો ભારતને લાભ થશે.’

પોતાનું ઉદાહરણ આપતાં તેણે કહ્યું કે ૨૦૦૪માં મારી નિમણૂક બૅટિંગ કન્સલ્ટન્ટ તરીકે કરવામાં આવી હતી. ત્યારે કોચ જૉન રાઇટ નર્વસ થઈ ગયો હતો. તેને એવું લાગ્યું કે હું તેનું સ્થાન લઈ લઈશ. જોકે અહીં શાસ્ત્રી જાણે છે કે ધોનીને કોચિંગમાં કોઈ રસ નથી. ધોનીને કોચ બનાવવો જોઈએ એ મામલે ગાવસકરે કહ્યું હતું કે કોઈ ખેલાડીને સિલેક્ટર કે કોચ બનાવતાં પહેલાં તેની નિવૃત્તિનાં બેથી ત્રણ વર્ષ પૂરાં થવા દેવાં જોઈએ.

મહેન્દ્ર ​સિંહ ધોનીની મેન્ટરની નિમણૂક સામે થઈ ફરિયાદ

ધોનીની ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના મેન્ટર તરીકે થયેલી નિમણૂક સામે ફરિયાદ મળી છે, જેમાં લોઢા સમિતિએ કરેલી ભલામણોમાં હિતના ટકરાવના ​નિયમનો સંદર્ભ આપવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશનના ભૂતપૂર્વ સભ્ય સંજીવ ગુપ્તાએ સભ્યોને એક પત્ર લખ્યો છે, જેમાં ધોનીની નિયુક્તિ હિતોના ટકરાવના નિયમનું ઉલ્લંઘન સમાન ગણાવાઈ છે. એમાં જણાવ્યા પ્રમાણે એક વ્યક્તિ બે પદ પર રહી ન શકે. ધોની ચેન્નઈની ટીમનો કૅપ્ટન છે અને આમ એક ટીમનો ખેલાડી છે. બીજી તરફ નૅશનલ ટીમનો મેન્ટર પણ  છે, જેનાથી સવાલ ઉભા થાય છે. એની સ્પષ્ટતા કરવાની જરૂર છે.

sports sports news cricket news ms dhoni mahendra singh dhoni sunil gavaskar ravi shastri