27 November, 2025 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરાઠી ઍક્ટ્રેસ ગિરિજા ઓક
૩૭ વર્ષની મરાઠી ઍક્ટ્રેસ ગિરિજા ઓકની બ્લુ સાડીવાળી તસવીરો વાઇરલ થયા બાદ તે રાતોરાત ‘નૅશનલ ક્રશ’ બની ગઈ છે. લોકોએ તેને ભારતની સિડની સ્વિની અને મોનિકા બેલુચી કહીને તેની સરખામણી આ ઇન્ટરનૅશનલ ઍક્ટ્રેસ સાથે કરી છે. જોકે એ પછી તેની મૉર્ફ કરેલી અશ્લીલ તસવીરો ચર્ચામાં આવતાં આ મામલે ગિરિજાએ ચિંતા વ્યક્ત કરી છે. હવે એક ઇન્ટરવ્યુમાં ગિરિજાએ ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે રાતોરાત લોકપ્રિયતા મળવાથી ખાસ ફાયદો નથી થયો, પણ મને સોશ્યલ મીડિયામાં અશ્લીલ મેસેજ મળવા લાગ્યા છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે ગિરિજાને સવાલ કરવામાં આવ્યો કે આ લોકપ્રિયતાને કારણે કરીઅરમાં કોઈ ફાયદો થયો છે ખરો? એનો જવાબ આપતાં ગિરિજાએ કહ્યું હતું કે ‘ના, ખાસ નહીં. અત્યારે પણ એટલી જ ઑફર મળે છે જેટલી પહેલાં મળતી હતી, પણ હવે મને મળતા વિચિત્ર અને અશ્લીલ મેસેજનું પ્રમાણ વધી ગયું છે.’
ગિરિજાએ તેને મળી રહેલા અશ્લીલ મેસેજ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મને મેસેજ-બૉક્સમાં બહુ વિચિત્ર અને અભદ્ર મેસેજ મળ્યા છે. કેટલાક પુરુષોએ મારો રેટ પૂછીને કહ્યું કે મારી સાથે એક કલાક વિતાવવાની કિંમત શું? તો કેટલાકે મને કહ્યું છે કે હું તમારા માટે કંઈ પણ કરી શકું છું, મને એક તક આપો... અને મારી પાસે આવા તો ઘણા મેસેજ છે. જોકે કોઈ પુરુષ મારી સાથે વાસ્તવિક જીવનમાં આવી વાત ક્યારેય નહીં કરે, પણ ઇન્ટનેટના પડદા પાછળ લોકો કંઈ પણ કહી દે છે.’
ગિરિજાએ ૧૫ વર્ષની વયે ઍક્ટિંગ શરૂ કરી હતી. તે મરાઠી ઍક્ટ્રેસ છે પણ તેણે મરાઠી સિવાય હિન્દી અને કન્નડા ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ગિરિજા થોડા સમય પહેલાં મનોજ બાજપાઈની પત્ની તરીકે ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર ઝેંડે’માં દેખાઈ હતી. એ પહેલાં તે ૨૦૨૩માં શાહરુખ ખાન સાથે ‘જવાન’માં અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ વૅક્સિન વૉર’માં પણ જોવા મળી હતી. ૨૦૦૭માં તેણે આમિર ખાનની ફિલ્મ ‘તારે ઝમીન પર’માં પણ કામ કર્યું હતું.