20 February, 2026 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્લેન મૅક્સવેલ
મેન્સ T20 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયન ટીમ ૨૦૦૯ બાદ પહેલી વખત ગ્રુપ-સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ રહી છે. છેલ્લા ૬ T20 વર્લ્ડ કપમાંથી પાંચ વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા એન્ટ્રી કરી શક્યું નથી. ICC ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ ઑસ્ટ્રેલિયાની વર્તમાન સ્થિતિ વિશે ભૂતપૂર્વ વર્લ્ડ કપ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગે મોટી કમેન્ટ કરી છે. રિકી પૉન્ટિંગે કહ્યું હતું કે ‘એવું કહેવું પડશે કે આ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા માટે ખરેખર ખરાબ અભિયાન રહ્યું. ICC ઇવેન્ટ્સમાં ઑસ્ટ્રેલિયાનો પહેલાં જેવો પ્રભાવ રહ્યો નથી. ટીમ પોતાની આભા ગુમાવી રહી છે. જો તમે પ્રગતિ કરવા અને જીતવા માગતા હો તો તમારે તમારા શ્રેષ્ઠ અને અનુભવી ખેલાડીઓની જરૂર છે જે ઊભા થઈને આ ટુર્નામેન્ટમાં તમારા માટે મોટી ક્ષણો જીતે અને ઑસ્ટ્રેલિયા પાસે આ વર્લ્ડ કપમાં એ નહોતું. ઇન્જરીને કારણે જે કાંગારૂ પ્લેયર્સ બહાર રહ્યા તે અમારા શ્રેષ્ઠ પ્લેયર હતા.’ ૨૦૨૩નો વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ કાંગારૂ ટીમ ICC ઇવેન્ટ્સમાં અપેક્ષા અનુસાર પ્રદર્શન કરી શકી નથી.
રિકી પૉન્ટિંગે ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ માટે મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે કહ્યું કે ‘મને નથી લાગતું કે ગ્લેન મૅક્સવેલ ૨૦૨૮ના વર્લ્ડ કપ કે ઑલિમ્પિક્સ ટીમનો ભાગ હશે. મને લાગે છે કે તેની કરીઅરનો અંત આવી રહ્યો છે.’ ૩૭ વર્ષનો ગ્લેન મૅક્સવેલ વર્તમાન વર્લ્ડ કપમાં ૯, ૩૧ અને બાવીસ રનની ઇનિંગ્સ જ રમી શક્યો છે. તેને બે મૅચમાં બોલિંગની તક પણ મળી, પરંતુ સ્પિનર તરીકે તે વિકેટ લઈ શક્યો નહોતો.
T20 વર્લ્ડ કપ 2026ના ૧૪મા દિવસે ગ્રુપ Bની બે તળિયાની ટીમોની ટક્કર સાથે ગ્રુપ-સ્ટેજની ૪૦ મૅચનો જંગ સમાપ્ત થશે. વર્તમાન વર્લ્ડ કપમાં ગ્રુપ Bમાં ત્રણમાંથી માત્ર એક મૅચની જીત અને +૦.૪૧૪ના નેટ રન-રેટ સાથે ઑસ્ટ્રેલિયા ચોથા ક્રમે છે. ઓમાનની ટીમ ત્રણેય મૅચમાં હાર અને -૪.૫૪૬ના નેટ રન-રેટને કારણે અંતિમ અને પાંચમા ક્રમે છે. આ બન્ને ટીમ વચ્ચે એકમાત્ર T20 મૅચ ૨૦૨૪ના વર્લ્ડ કપમાં રમાઈ હતી એમાં ઑસ્ટ્રેલિયા ૩૯ રને જીત્યું હતું. ૨૦૨૧ની ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયા જીત સાથે પોતાના અભિયાનના સન્માનજનક અંતની આશા રાખશે.