02 November, 2026 02:22 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
T20 સિરીઝની ટ્રોફી સાથે ભારતીય પ્લેયર્સ.
એક દાયકા પછી ન્યુ ઝીલૅન્ડ ભારત સામે બૅક-ટુ-બૅક T20 મૅચ જીતવામાં સફળ રહ્યું છે. ૨૦૦૭થી ૨૦૧૬ દરમ્યાન કિવીઓએ ભારત સામે શરૂઆતની સતત પાંચ T20 મૅચ જીતી હતી. સતત બે હાર છતાં ભારત ૩-૨ની સ્કોરલાઇનથી ટ્રોફી ઉપાડવામાં સફળ રહ્યું છે.
હૅમિલ્ટનમાં ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ભારતે ઈશાન કિશન અને શ્રેયસ ઐયરની ફિફ્ટીના આધારે
૧૯૧-૮નો સ્કોર કર્યો હતો. જવાબમાં ટિમ સાઇફર્ટના ૯૩ રન અને ગ્લેન ફિલિપ્સના ૬૫ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે ૧૮ ઓવરમાં ૧૯૫-૩નો સ્કોર કર્યો હતો.
૩.૧ ઓવરમાં ૧૯ રનને સ્કોરે ભારતે પોતાના બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન કિશને ૫ાંચ ફોર, પાંચ સિક્સની મદદથી ૩૨ બૉલમાં ૬૧ રન અને કૅપ્ટન શ્રેયસ ઐયરે ૩ ફોર, ૪ સિક્સના આધારે ૨૩ બૉલમાં ૫૦ રન કર્યા હતા. નમન ધીરે ૨૩ બૉલમાં ૩૩ અને નીતીશ કુમાર રેડ્ડીએ ૧૭ બૉલમાં બાવીસ રનનું યોગદાન આપ્યું હતું. ફાસ્ટ બોલર ઍડમ મિલ્ને ૪ ઓવરમાં ૧૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
ટિમ સાઇફર્ટ ૫૦ બૉલમાં ૧૧ ફોર, પાંચ સિક્સની મદદથી ૯૩ રન કરીને સાત રનથી પહેલી ઇન્ટરનૅશનલ સદી ચૂકી ગયો હતો. ચોથા ક્રમે રમવા આવેલા ગ્લેન ફિલિપ્સે ૩૮ બૉલમાં ૮ ફોર, ૩ સિક્સના સહારે અણનમ ૬૫ રન કર્યા હતા. ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહેલા ભારતીય બોલિંગ યુનિટમાંથી અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને નીતીશ કુમાર રેડ્ડીએ ૧-૧ વિકેટ લીધી હતી.
ન્યુ ઝીલૅન્ડના બૅટર ગ્લૅન ફિલિપ્સને ૩૪૧ રન બનાવવા બદલ મૅન આૅફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
ઈશાન કિશન એક વર્ષમાં સૌથી વધુ T20 ઇન્ટરનૅશનલ રન કરનાર ભારતીય બૅટર બની ગયો છે. ૨૦૨૬ માં તેણે ૩૭ મૅચમાં ૧ સદી, ૮ ફિફ્ટીની મદદથી ૧૨૨૦ રન કર્યા છે. સૂર્યકુમાર યાદવે ૨૦૨૨માં ૩૧ મૅચમાં બે સેન્ચુરીની મદદથી ૧૧૬૪ રન કર્યા હતાં.
એક દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ 341 રન ફટકારનાર પ્લેયર બન્યો ગ્લેન ફિલિપ્સ. ઇંગ્લૅન્ડના ફિલ સૉલ્ટે ૨૦૨૩-’૨૪માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૩૩૧ રન કર્યા હતા.
એક કૅલેન્ડર યરમાં એક હરીફ સામે સૌથી વધુ 522 રન કરનાર પ્લેયર બન્યો ગ્લેન ફિલિપ્સ. અભિષેક શર્માનો આ વર્ષનો ન્યુ ઝીલૅન્ડ સામેનો ૪૩૧ રનનો રેકૉર્ડ પાછળ છોડ્યો.
ભારતીય ટીમ એક કૅલેન્ડર યરમાં ૪૦૦ T20 ઇન્ટરનૅશનલ સિક્સ ફટકારનારી ટીમ બની ગઈ છે. ભારતે આ વર્ષે ૪૦ મૅચમાં ૪૦૦ સિક્સ ફટકારી છે. ઑસ્ટ્રેલિયાએ ૨૦૨૫માં ૩૬ મૅચમાં ૩૨૬ સિક્સ ફટકારી હતી.
ભારત હાલમાં એક કૅલેન્ડર યરમાં હરીફ ન્યુ ઝીલૅન્ડ સામે સૌથી વધુ ૧૪૨ T20 સિક્સ ફટકારનારી ટીમ છે. ૨૦૨૬ની શરૂઆતની સિરીઝની જેમ આ સિરીઝમાં પણ ૧૧૬ સિક્સ જોવા મળી. આ વર્ષે ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાયેલી ૧૧ T20 મૅચોમાં ૨૫૯ સિક્સ જોવા મળી હતી.